<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ધોરાજી પાસે ભાદર-૨ ડેમ ઓવરફલોઃ ૫ દરવાજા ૬ ફૂટ ખોલાયા, ૪૦ હજાર કયુસેક પાણી છોડાયું

 

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૫: સૌરાષ્‍ટ્રના મુખ્‍ય ડેમોમાં ગણાતા ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ સારા વરસાદના કારણે ઓવરફ્‌લો થયો છે.

ધોરાજી અને ઉપરવાસમાં ગઈકાલથી સારા વરસાદને પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને પગલે ભાદર-૨ ડેમ પૂરેપૂરો ભરાઈ જતા તંત્ર દ્વારા ૫ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવ્‍યા છે.

ભાદર-૨ ડેમના સેક્‍શન અધિકારી ધ્રુવ મહેતાના જણાવ્‍યા મુજબ હાલ ડેમનું રૂલ લેવલ ૫૨.૫૦ રાખવામાં આવ્‍યું છે. ડેમમાં ૪૦ હજાર કયુસેક પાણીની આવક થઈ રહી છે અને સામે ૪૦ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાણી છોડાતા નદીકાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્‍યા છે. ખાસ કરીને નિચાણવાળા નીચાણવાળા વિસ્‍તારોમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે કે નીચાણવાળા પટમાં જવાનું ટાળવા અને સલામત સ્‍થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

ધોરાજી વિસ્‍તારમાં મેઘમહેરને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્‍યાપી છે. ડેમ ભરાતા આગામી સિઝન માટે સિંચાઈનો પ્રશ્ન હલ થશે તેવી આશા છે. પરિસ્‍થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

(10:52 AM IST)