<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

મોરબીમાં સિરામીક ટ્રેડીંગનું કામ કરતાં ભરતભાઇ પટેલનું લાલપર ગામ પાસે ઇજાગ્રસ્‍ત મળ્‍યા બાદ મોત

દાઢી પાસે ઇજા હતીઃ ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગનીઃ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૧: મોરબીમાં રહેતાં અને સિરામીક ટ્રેડીંગનું કામ કરતાં વેપારી રાતે લાલપર ગામ નજીક ઇજાગ્રસ્‍ત હાલતમાં મળતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ચાલતી વખતે પડી જતાં ઇજા થવાથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં રવાપર રોડ પર સરદાર બાગ પાછળ આવેલી ગોૈતમ સોસાયટીમાં રહેતાં ભરતભાઇ બચુભાઇ વાંસદડીયા-પટેલ (ઉ.વ.૪૫) રાતે દસેક વાગ્‍યે મોરબી પાસેના લાલપર ગામ પાસેની ઓનેસ્‍ટ હોટેલ નજીક ઇજાગ્રસ્‍ત બેભાન જેવી હાલતમાં પડયા હોઇ કોઇએ ૧૦૮ બોલાવી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં મોરબી તાલુકા પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભરતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં અને મોરબીમાં ભાડાની દુકાન રાખી સિરામીક ટ્રેડીંગનું કામ કરતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ મુળ લાલપર ગામના વતની હતાં. રાતે કોઇ કામ સબબ નીકળ્‍યા બાદ લાલપર નજીક ઓનેસ્‍ટ પાસેથી ઇજાગ્રસ્‍ત મળ્‍યા હતાં. મોતનું ચોક્કસ કારણ જાણવા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:20 PM IST)