News of Saturday, 17th October 2026
દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ભાવિક ઘૂસી ગયો : પૂજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
શૃંગાર આરતી સમયે ગર્ભગૃહમાં પ્રવેશી પૂજા-ધર્મનું અપમાન અને પવિત્રતા ભંગ કર્યાનો આક્ષેપ : આ રીતે ઘૂસી જવા બદલ પોલીસ ફરિયાદનો આ પ્રથમ કેસ હોવાની ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. : રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના ગર્ભગૃહમાં એક ભાવિક ઘૂસી જતા ભારે ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગત મુજબ, તાપી જિલ્લાના રહેવાસી અંકિતભાઈ આનંદભાઈ કંસારા દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. તે સમયે મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાનની શૃંગાર આરતીની પૂજા કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અંકિતભાઈ સીધા જ મંદિરના પ્રતિબંધિત ગર્ભગૃહમાં પ્રવેશી ગયા હતા.
આરોપ છે કે તેમણે પૂજારીઓના પૂજા-ધર્મનું અપમાન કર્યું હતું અને મંદિર તથા પૂજારીની પવિત્રતા ભંગ કરી હતી. આ સમગ્ર મામલે પૂજારી વેદાંતભાઈ હેમંતલાલ ઉપાધ્યાય દ્વારા દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે આ ફરિયાદના આધારે જમાદાર બી.જી. માણેક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં આ રીતે ઘૂસી જવા બદલ અને પોલીસ ફરિયાદ થવાનો આ પ્રથમ કેસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને ભાવિકોમાં પણ આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
