<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ભાવનગર એસીબીની મોટી કાર્યવાહી : ઘોઘાના તત્કાલીન મામલતદાર પ્રકાશભાઈ સુવા અને આઉટસોર્સ ડ્રાઈવર ચેતનભાઈ સોરઠીયા વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરાવતા પીઆઈ ટી.એસ. રીઝવી

ટ્રક ડીટેઈન નહીં કરવા પેટે ૫૫ હજારની લાંચ માંગી ૪૦ હજાર પડાવ્યા હતા : મદદનીશ નિયામક એસ.એન. બારોટ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોનો સકંજો

રાજકોટ : ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક પગલું ભરીને ઘોઘા મામલતદાર કચેરીના તત્કાલીન મામલતદાર અને તેમના ખાનગી ડ્રાઈવર વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવીએ ફરિયાદી બનીને ઘોઘાના તત્કાલીન મામલતદાર પ્રકાશભાઈ દેવરખી સુવા (હાલ નિવૃત) અને આઉટસોર્સ ડ્રાઈવર ચેતનભાઈ ઉર્ફે બબલુભાઇ હર્ષદભાઇ સોરઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માટી ભરેલો ટ્રક છોડવા ૧ લાખની માંગણી કરાઈ હતી:

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, ફરિયાદી/સાહેદનો માટી ભરેલો ટ્રક ડીટેઇન નહી કરવાના બદલામાં મામલતદાર કચેરી ઘોઘા ખાતે તત્કાલીન મામલતદાર પ્રકાશભાઈ સુવાએ રૂ. ૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ લાંબી રકઝકને અંતે પ્રથમ રૂ. ૭૫,૦૦૦/- અને આખરે રૂ. ૫૫,૦૦૦/- ની લાંચ આપવાનું નક્કી થયું હતું. આ નક્કી થયેલી રકમમાંથી બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી લાંચના છટકા અગાઉ કટકે કટકે રૂ. ૪૦,૦૦૦/- સ્વીકારી લીધા હતા અને બાકી રહેતા રૂ. ૧૫,૦૦૦/- ની માંગણી ચાલુ રાખી હતી.

 

રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ અને મદદગારી:

જામનગર ખાતે સ્થાયી થયેલા અને મૂળ ઉપલેટાના વતની એવા નિવૃત મામલતદાર પ્રકાશભાઈ સુવા અને ભાવનગરના સોમપાર્ક સોસાયટીમાં રહેતા આઉટસોર્સ ડ્રાઈવર ચેતનભાઈ સોરઠીયાએ એકબીજાની મદદગારીથી પોતાના અંગત આર્થિક લાભ મેળવવા માટે આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આરોપીઓએ રાજ્ય સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ફરજ પ્રત્યે અપ્રમાણિકતા દાખવી હતી, જેથી તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ-૭(a) તથા ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

 

ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તપાસ તેજ:

ઘોઘા મામલતદાર કચેરી ખાતે આચરાયેલા આ ભ્રષ્ટાચારના મામલામાં એસીબી ભાવનગર એકમના મદદનીશ નિયામક એસ.એન. બારોટ સુપરવિઝન અધિકારી તરીકે કાર્યરત છે. જ્યારે એસીબી રાજકોટ વિભાગના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા ઇન્ચાર્જ અધિકારી તરીકે સમગ્ર કાનૂની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યા છે. એસીબીની આ નજરતળે કરાયેલી કડક કાર્યવાહીથી લાંચિયા સરકારી બાબુઓ અને વચેટીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:10 PM IST)