<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ભાવનગર એરપોર્ટ પર વાઈની બીમારી મટાડવા કાચબાનું શાક બનાવ્યું : વન વિભાગે ચાર શ્રમિકોને ઝડપી લીધા

ચાર પરપ્રાંતિય શ્રમિકો એક જીવતો કાચબો પકડીને તેનું શાક બનાવીને ખાધાનો ચોંકાવનારો ખુલાસો થયો

ભાવનગર શહેરમાં ચાર પરપ્રાંતિય શ્રમિકો એક જીવતો કાચબો પકડીને તેનું શાક બનાવીને ખાધાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બાબતે વન વિભાગને જાણ થતાં જ ચાર પરપ્રાંતિય શ્રમિકોને ઝડપી લીધા છે. વન વિભાગે આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ, ભાવનગર એરપોર્ટ પર બાંધકામ કરતા બિહારના શ્રમિકો કામ કરે છે. તેમાંથી એક શ્રમિક વાઈના રોગથી પીડાતો હોવાથી વાઈની પીડા દૂર કરવા માટે કાચબો મારીને ખાવાથી તે મટી જાય છે. આ ગેરમાન્યતાને ધ્યાને રાખીને શ્રમિક બે કાચબા લાવ્યો હતો. આ બે કાચબા પૈકી શ્રમિકે એક કાચબાને મારીને તેનું શાક બનાવી નાખ્યું હતું.

 

વન વિભાગને આ બાબતે જાણ થતાં જ્યારે શ્રમિકો કાચબાનું શાક ખાય તે પહેલા જ ત્રાટકીને મુખ્ય આરોપી અને 3 અન્ય શ્રમિકોને ઝડપી લઈને કાર્યવાહી શરુ કરી હતી. તેમજ ભાવનગર વન વિભાગ ટીમને તપાસ દરમિયાન, એક જીવતો કાચબો અને એક રાંધેલ કાચબાનું શાક મળી આવ્યું હતું.

વન વિભાગની ટીમે ફોરેસ્ટ વેટરનરી ઓફિસર, FSL ટીમ સહીતનાઓની હાજરીમાં સ્થળ તપાસ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ચાર શ્રમિકોને ઝડપી લઈને વધુની તપાસ હાથ ધરી છે. શ્રમિકો પાસેથી એક જીવતો કાચબો જપ્ત કરાયો.

 

(1:03 PM IST)