તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ભાવનગર નકલી દારૂકાંડઃ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
૩૮ આરોપીઓ બાદ હવે ખાખી વર્ધીધારીઓ પર સખ્ત શિકંજો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક નકલી દારૂના દૂષણે સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે. આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ નિર્દોષ લોકો મોતને ભેટયા છે, જેના પગલે સ્થાનિક ભાવનગર પોલીસ તંત્રની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આ સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ને સોંપવામાં આવી હતી. તપાસ હાથ ધરતાની સાથે જ એસએમસીની ટીમે સપાટો બોલાવીને લઠ્ઠાકાંડ સાથે જોડાયેલા ૩૮ જેટલા અસામાજિક તત્વો અને મુખ્ય આરોપીઓની ફટાફટ ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
આ કેસની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન માત્ર દારૂ વેચનારા જ નહીં, પરંતુ તેઓને છાવરનારા અને પ્રોત્સાહન આપનારા પોલીસ કર્મચારીઓ પર પણ શિકંજો કસવામાં આવ્યો હતો. બુટલેગરો સાથે ગેરકાયદેસર સાંઠગાંઠ ધરાવતા શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના તબક્કાવાર નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ સઘન પૂછપરછ દરમિયાન એસએમસીને ચોક્કસ પુરાવા સાંપડતા બુટલેગરો સાથે સીધી સંડોવણી ધરાવતા ભાવનગર પોલીસના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની કડક પૂછપરછ બાદ SMC દ્વારા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્રમાં રહીને ગુનેગારોને મદદગારી કરવાના આ ગંભીર ગુનામાં મુળ મૂળિયા સુધી પહોંચવા અને અન્ય કયા અધિકારીઓ કે કર્મચારીઓની આમાં સંડોવણી છે તેની તપાસ કરવા માટે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બાબતની ગંભીરતા ધ્યાને લઈ આરોપી પોલીસ કોન્સ્ટેબલના ૧૦ દિવસના સઘન રિમાન્ડ મંજૂર કર્યા છે. ૩૮ આરોપીઓ બાદ હવે ખુદ ખાખી વર્ધીધારી પર ગાળિયો મજબૂત થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
