<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

ભાવનગર: પશુપાલકો માટે ખુશખબર! સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક રૂ.30 નો વધારો, હવે કિલોફેટ રૂ.900 ચૂકવાશે

સિહોરની સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.30 નો વધારો જાહેર કર્યો: 1 સપ્ટેમ્બર, 2025થી અમલ, ભાવ રૂ.870થી વધીને રૂ.900 થશે, ગુજરાતમાં સૌથી વધુ દૂધ ખરીદ ભાવ આપતી ડેરી બની, હજારો પશુપાલકોને સીધો ફાયદો

ભાવનગર : ભાવનગર જિલ્લાના પશુપાલકો માટે સર્વોત્તમ ડેરીએ રેકોર્ડબ્રેક ખુશખબર આપી છે. સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની મિટિંગમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.30 નો મોટો વધારો કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. આ નવો ભાવ વધારો 1 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે, જેના કારણે દૂધનો ખરીદ ભાવ રૂ.870 પ્રતિ કિલો ફેટથી વધીને રૂ.900 થશે.

 

ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મોંઘવારી, ઘાસચારો અને દાણની વધતી કિંમત તેમજ ઉનાળામાં પશુની દૂધ ઉત્પાદકતામાં થતા ઘટાડાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. ડેરી સાથે જોડાયેલા પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચુ આવે અને પશુપાલન વ્યવસાય વધારે નફાકારક બને તેવા આશયથી આ વધારો કરાયો છે.

 

આ નિર્ણય સાથે સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધુ દૂધ ખરીદ ભાવ આપતી ડેરી બની ગઈ છે. ભાવનગર અને આસપાસના વિસ્તારોના હજારો પશુપાલકોને તેનો સીધો ફાયદો થશે. ડેરીના અધિકારીએ જણાવ્યું કે અમે હંમેશા પશુપાલકોના હિતોને પ્રાથમિકતા આપી છે. બજારમાં ગુણવત્તાયુક્ત દૂધની વધતી માંગ અને ખર્ચને ધ્યાનમાં રાખીને ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે. અમારો ઉદ્દેશ્ય પશુપાલકોને તેમની મહેનતનું વાજબી વળતર મળે તે છે.

 

પશુપાલકોએ આ નિર્ણયને આવકાર્યો છે. એક પશુપાલકે જણાવ્યું કે ગાય અને ભેંસના ચારાના ભાવ અને અન્ય ખર્ચાઓમાં વધારો થયો છે, ત્યારે આ નિર્ણય અમને મોટી રાહત આપશે. સર્વોત્તમ ડેરી દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી દૂધના વેચાણભાવમાં કોઈપણ જાતનો વધારો કર્યા વિના ખરીદભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી છે. 

(2:32 PM IST)