<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભાવનગર કુંભારવાડા વોર્ડ નં. 2ના કોંગ્રેસના અરવિંદ પરમારનું ફોર્મ રદ:ફોજદારી ગુનામાં સજા સંબંધિત ક્ષતિને કારણે ફોર્મ રદ

અધિકારીઓ પર ભાજપના પ્રભાવના આક્ષેપ, રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેવાયાના આક્ષેપ, ન્યાય ન મળે તો કોંગ્રેસ હાઇકોર્ટના દરવાજા ખટખટાવશે

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. વોર્ડ નંબર 2 (કુંભારવાડા) ના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પરમારનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે કોંગ્રેસે ભાજપ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પર ગંભીર આક્ષેપો કરીને મામલો ગરમાવ્યો છે.

 

ચૂંટણી અધિકારી એ.પી. વ્યાસ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ઉમેદવાર અરવિંદ પરમારે ફોજદારી ગુનામાં થયેલી સજા અને ગુનાહિત ઇતિહાસ સંબંધિત એફિડેવિટમાં અપૂરતી માહિતી આપી હતી. સોગંદનામામાં રહેલી આ ટેકનિકલ ખામીને કાયદાકીય રીતે ગંભીર ગણીને તેમનું ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું છે.

 

કોંગ્રેસે આ નિર્ણયને રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે અધિકારીઓ પર ભાજપનો પ્રભાવ છે અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા અગાઉથી કાવતરું રચીને આ ફોર્મ રદ કરાવવામાં આવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે અને પોતાના ઉમેદવારને ન્યાય અપાવવા માટે ટૂંક સમયમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. આ ઘટનાને પગલે ભાવનગરના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

(1:33 PM IST)