<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ભાવનગર લઠ્ઠાકાંડ :૧૪ નિર્દોષના ભોગ લેનાર પ્રકરણમાં SMC એ ૪૨ આરોપી સામે એક લાખ પાનાથી વધુની જંગી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૭: વરતેજ પંથકમાં સર્જાયેલા અત્‍યંત ચકચારી અને ૧૪ નિર્દોષ માનવજીવોને ભરખી જનાર ઝેરી દારૂ (લઠ્ઠાકાંડ) પ્રકરણમાં તપાસ કરનાર એજન્‍સી દ્વારા પોતાની તપાસ પૂર્ણ કરી  કોર્ટમાં એકાદ લાખ પાનાંઓથી વધુ જંગી દસ્‍તાવેજી પુરાવાઓ સાથેની સજ્જડ અને દમદાર ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  સ્‍ટેટ મોનિટરિંગ સેલ  દ્વારા તૈયાર કરાયેલી આ ચાર્જશીટમાં કુલ ૪૨ જેટલા આરોપીઓ ઉપર ગુનાહિત આરોપો ઘડવામાં આવ્‍યા છે. આ કેસને વધુ મજબૂત બનાવવા માટે ચાર્જશીટમાં મની ટ્રેલ, સીસીટીવી ફૂટેજ, કોલ રેર્કોડિંગ અને કોલ ડિટેઇલ રેકોર્ડ  તેમજ એફએસએલના અકાટય અને ટેકનિકલ પુરાવાઓ સામેલ કરવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે ગત તા. ૧૮ ઓગસ્‍ટ ૨૦૨૪ના રોજ ડુપ્‍લિકેટ રોયલ સ્‍ટેગ દારૂનું સેવન કરવાના કારણે અનેક લોકોને ગંભીર ઝેરી અસર થવા પામી હતી, જેના કારણે સમગ્ર પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની અત્‍યંત ગંભીરતાને ધ્‍યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય અને ભાવનગર પોલીસ ટીમ ત્‍વરિત ધોરણે કામે લાગી ગઈ હતી. પોલીસ દ્વારા સાપ્રથમ ઝેરી દારૂનું સેવન કરનાર પીડિતોને શોધી-શોધીને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ચેકઅપ અને સઘન સારવાર માટે ખસેડવાની કામગીરીને સર્વોચ્‍ચ અગ્રતા આપવામાં આવી હતી. ઉપરાંત, કયા-કયા શખ્‍સોએ આ દારૂની બોટલો ખરીદી છે તેનું ચોક્કસ પગેરું મેળવી વધુ લોકોને ઝેરી દારૂની અસરથી બચાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા. સત્‍વરે લેવાયેલા આ જ પગલાંઓના કારણે આ લઠ્ઠાકાંડમાં મળત્‍યુનો આંક નિયંત્રિત રહી શકયો હતો, અન્‍યથા પરિણામો વધુ ભયાનક હોત તેવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને જોતાં રાજ્‍ય સરકારે આ પ્રકરણની તપાસ સ્‍ટેટ મોનિટરિંગ સેલ  ને સુપરત કરી હતી. SMC ના વડા આઈજી ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ એસપી ચાવડાની સીધી નિગ્રાનીમાં પી.આઈ. જાડેજા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો હતો. એસએમસી દ્વારા ગત ૧૬ ઓગસ્‍ટથી ૨૦ અલગ-અલગ ટીમોને કામે લગાડીને એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ લઠ્ઠાકાંડના તાર ગુજરાત ઉપરાંત રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્‍હી અને હરિયાણા સુધી લંબાયેલા હોવાનું સામે આવ્‍યું હતું, જેમાં પોલીસે મુખ્‍યત્‍વે ઝેરી જીવલેણ ‘મિથેનોલ' કેમિકલની સપ્‍લાય ચેઈનને પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે તબક્કાવાર કુલ ૪૨ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્‍યારે હજુ પણ આ ગુનામાં ૧૦ જેટલા આરોપીઓ વોન્‍ટેડ છે. પોલીસ દ્વારા ઝેરી દારૂ બનાવવા માટે વપરાયેલ કેમિકલ, દારૂની ખાલી-ભરેલી બોટલો અને ગુનામાં વપરાયેલ વાહનો સહિત કુલ રૂ. ૨૨ લાખનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

ભોગ બનનાર ૧૪ મળતકના પરિવારજનોને કાનૂની અને ઝડપી ન્‍યાય અપાવવા માટે હોસ્‍પિટલના તબીબોનો પેનલ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ, એફએસએલ  નો રિપોર્ટ, મૌખિક જુબાનીઓ અને દસ્‍તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટમાં અત્‍યંત પાયારૂપ અને મહત્‍વપૂર્ણ સાબિત થશે. એસએમસીની લાગલગાટ તપાસના અંતે સમગ્ર લઠ્ઠાકાંડ અંગે વિગતો ઉજાગર થઈ છે, અને દિવસો સુધીની મહેનત આખરે આરોપીઓને કડક સજા સુધી દોરી જશે તેવી પૂરી આશા છે.

(12:23 PM IST)