News of Thursday, 4th June 2026
ભાવનગરમાં પોલીસે સવા બે કરોડના દારૂ બીયરના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું

( મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: ભાવનગર ગ્રામ્ય પોલીસ ડીવીઝન હેઠળના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ગુન્હાઓ હેઠળ કબ્જે કરવામાં આવેલા વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્થાનો નામદાર કોર્ટના હુકમ બાદ આજે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ પોલીસ સ્ટેશનના કુલ ૧૫૧ કેસોમાં પકડેલી રૂ. ૨,૨૮,૭૩,૬૮૭/- ની કિંમતની કુલ ૬૫,૪૪૬ નંગ વિદેશી દારૂની બોટલો તથા ૬,૮૯૭ નંગ બીયરના ટીન પર રોડ રોલર અને બુલડોઝર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો.
રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં કબ્જે કરાયેલા મુદ્દામાલનો સમયસર અને કાયદેસર નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે ભાવનગર ગ્રામ્ય ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) ઘનશ્યામ ગૌતમ દ્વારા અંગત રસ લઈ, ડીવીઝન હેઠળના થાણા અધિકારીઓ પાસે નામદાર કોર્ટમાંથી મુદ્દામાલ નાશ કરવા અંગેના જરૂરી હુકમો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા સબ ડીવીઝનલ મેજીસ્ટેટ અક્ષર પી. વ્યાસ, એ.એસ.પી. ઘનશ્યામ ગૌતમ, નસાબંધી અને આબકારી ઇન્સપેક્ટર એન.કે.વાઢેર, વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. પઢેરીયા, વેળાવદર ભાલ (સનેસ) પો.સ્ટે.ના પી.આઈ. આર.જે.ગૌર તેમજ ઘોઘા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઈ. એમ.એન. ચાવડાની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વરતેજ, વેળાવદર ભાલ અને ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ જી.આર.ડી.ના જવાનોએ કામગીરીને પાર પાડી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
