તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ભાવનગર-રાજકોટ હાઈવે પર સ્વાદનો જાદુ: રંઘોળાના 'ફૂલવડી ગાંઠિયા'એ દેશ-વિદેશમાં જમાવી ધાક, દુબઈથી લંડન સુધી પહોંચ્યો દેશી મસાલાનો સ્વાદ!
૧૯૭૨થી શરૂ થયેલી સ્વાદની સફર આજે બની ગામની ઓળખ: ચણાના લોટમાં લવિંગ, મરી અને તલના અનોખા મિશ્રણથી બનતા આ ફૂલવડી ગાંઠિયાથી સ્થાનિક અર્થતંત્ર બન્યું મજબૂત

ભાવનગર : ભાવનગરી ગાંઠિયા અને ચવાણું તો દેશ અને દુનિયાભરમાં જાણીતા છે જ, પરંતુ ભાવનગર જિલ્લાના રંઘોળા ગામે પોતાના ખાસ 'ફૂલવડી ગાંઠિયા'થી ફરસાણની દુનિયામાં એક અનોખી અને આગવી ઓળખ ઊભી કરી છે. ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલું રંઘોળા ગામ હવે આસપાસના વિસ્તારમાં 'ફરસાણનું હબ' બની ગયું છે. અહીં બનતા ફૂલવડી ગાંઠિયામાં વપરાતા દેશી મસાલાનું અનોખું મિશ્રણ એટલું તો લોકપ્રિય બન્યું છે કે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અહીં અટકીને સ્વાદ માણવાનું ચૂકતા નથી.
આ સ્વાદિષ્ટ સફરની શરૂઆત વર્ષ ૧૯૭૨માં એક નાના પ્રયોગ તરીકે થઈ હતી, જે આજે સમગ્ર રંઘોળા ગામની ઓળખ બની ગઈ છે. શુદ્ધ ચણાના લોટમાં તલ, લવિંગ, કાળા મરી અને અજમા જેવા દેશી મસાલાનું પરફેક્ટ મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવતી ફૂલવડીનો સ્વાદ જ અદ્ભુત હોય છે. આજે રંઘોળા ગામમાં ફરસાણની આશરે ૨૦ થી ૨૫ જેટલી નાની-મોટી દુકાનો ધમધમી રહી છે. કેટલાક વેપારીઓ આધુનિક મશીનરીનો ઉપયોગ કરે છે, તો કેટલાક કારીગરો આજે પણ પરંપરાગત રીતે હાથથી જ ગાંઠિયા બનાવે છે.
દુબઈ, લંડન અને બેલ્જિયમ સુધી પહોંચ્યો સ્વાદ
રંઘોળા ગામમાં માત્ર ફૂલવડી ગાંઠિયા જ નહીં, પરંતુ લસણિયા, જલજીરા, ફુદીના ગાંઠિયા, તીખી પાપડી અને રતલામી સેવ જેવી વાનગીઓ પણ ખૂબ લોકપ્રિય છે. ભાવનગર-રાજકોટ હાઈવે પર સ્થિત હોવાને કારણે દરરોજ હજારો વાહનચાલકો અહીં રોકાઈને પાર્સલ બંધાવે છે. એટલું જ નહીં, રંઘોળાના આ ફૂલવડી ગાંઠિયા કુરિયર અને પાર્સલ મારફતે ભારતના મોટા શહેરો ઉપરાંત દુબઈ, લંડન અને બેલ્જિયમ જેવા વિદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી પણ પહોંચાડવામાં આવે છે. આ ગૃહઉદ્યોગે ગામના અનેક પરિવારોને રોજગારી પૂરી પાડી સ્થાનિક અર્થતંત્રને નવી મજબૂતી આપી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
