<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ભાવનગરમાં બપોરે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો :કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે વૃક્ષો ધરાશઇ થતા વાહનો દબાયા

ચોમાસાના પહેલા જ વરસાદમાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: ભરતનગર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા .

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાતા જ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. બપોરે ત્રણથી ચાર એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાપકી ગયો હતો. ચોમાસાના પહેલા જ વરસાદમાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરતનગર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા છે.

ભાવનગર શહેરમાં આજે બપોરે ત્રણ વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.વરસાદ શરૂ થતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત શહેરજનોને રાહત મળી હતી. 
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદની સાથે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બાળકો અને યુવાનો વરસાદની મજા માણવા રસ્તા પર ઉતરી પડ્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે એક જ કલાકમાં શહેરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડી જતા ભરતનગર, કાળીયાબીડ, ગાયત્રી નગર, કુંભારવાડા વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શહેરના ભરતનગર વિસ્તારમાં અભિષેક સોસાયટીમાં લીમડાના બે વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં ચાર વાહનો અને એક લારી દટાઈ હતી. આ વિસ્તારના સામાજિક કાર્યકર ભરતભાઈ મોણપરા દોડી ગયા હતા. પહેલા જ વરસાદમાં ભરતનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ભાવનગર શહેર ઉપરાંત જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ઘોઘા અને ગારીયાધારમાં વરસાદી ઝાપટા વરસ્યાં હતા.
આજે બપોરે ત્રણથી ચાર દરમિયાન ભાવનગર શહેરમાં ૩૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જેસરમાં ૧૭ મિ.મી., ગારીયાધાર માં ૧ મી.મી. અને ઘોઘામાં પ મી.મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેરીજનો અને ગ્રામ્ય જનોમાં આનંદની લાગણી ફેલાય છે.

(7:00 PM IST)