News of Friday, 26th June 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીમ અગિયારસ વરસાદ વગર કોરી ગઈઃ વરસાદની કાગડોળે રાહ
ભીમ અગિયારસે પણ મેઘરાજાએ દર્શન ન આપ્યા, વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો ભારે ચિંતામાં: કપાસ-મગફળીના વાવેતર પર અસરની ભીતિઃ વાદળા છવાઇ છે પરંતુ વરસાદ વરસતો નથી

રાજકોટ તા.૨૬: ખેડૂતો માટે વરસાદ માટે આશાનું પ્રતીક ગણાતી ભીમ અગિયારસ આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદ વગર કોરી ગઈ છે. અષાઢ મહિનાની સુદ અગિયારસ એટલે કે ભીમ અગિયારસના દિવસે વરસાદ થાય તો ચોમાસું સારું રહે તેવી માન્યતા છે, પરંતુ આ વખતે મેઘરાજાએ દર્શન ન આપતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જામનગર, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં ખરીફ વાવેતર માટે ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી વાવણી લાયક ૩-૪ ઇંચ વરસાદ ન પડતા કપાસ, મગફળી, બાજરી અને તલના વાવેતરનું કામ અટકી પડ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ભીમ અગિયારસ સુધી વરસાદ થઈ જાય તો સમયસર વાવેતર થાય અને પાક સારો ઉતરે. પણ આ વખતે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું, પરંતુ એક પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ન નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. આગામી ૨૭-૨૮ જૂનથી હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે, પરંતુ મુશળધાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.
ખેડૂતો કહે છે કે ‘‘બિયારણ-ખાતર લઈને તૈયાર બેઠા છીએ. ભીમ અગિયારસે પણ વરસાદ ન આવ્યો એટલે હવે ચિંતા થાય છે. જો આગામી ૮ દિવસમાં વરસાદ નહીં પડે તો કપાસનું વાવેતર મોડું થશે અને ઉત્પાદન પર અસર પડશે.''
કચ્છના ખેડૂતો પણ દુષ્કાળની ભીતિ સેવી રહ્યા છે. ભૂગર્ભ જળ સ્તર નીચા ગયા છે અને ડેમોમાં પણ પાણી ઓછું છે. ખેડૂત આગેવાનોએ સરકાર પાસે વરસાદ ખેંચાય તો સિંચાઈનું પાણી અને વીમા યોજનાની માંગ કરી છે. દરરોજ વાદળા છવાય છે પરંતુ વરસાદ ન પડતા સોૈ ચિંતીત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬.૫ ડિગ્રી, લઘુતમ ૨૮.૫, ભેજ ૭૩ ટકા, પવનની ઝડપ ૧૪.૭ કિ.મી. રહી હતી.(૨.૮)
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
