તા. ૧૬ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૩ શુક્રવાર
News of Monday, 5th October 2026
ભુજ રેલવે સ્ટેશન પર હત્યા કરનાર આરોપીનો પાલારા જેલમાં પણ કેદી ઉપર પથ્થરથી હૂમલો
સૂવા બાબતે ઉશ્કેરાઈ બાથરૂમમાંથી પથ્થર લાવી કેદીના માથામાં માર્યાનો આક્ષેપ

ભુજ, તા.૫: રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય યુવકની હત્યાના ગુનામાં જેલમાં રહેલા આરોપીએ પાલારા જેલમાં પણ એક કેદી પર પથ્થર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પાલારા જેલની સર્કલ-૧ની ૧૧ નંબરની બેરેકમાં બનેલી આ ઘટનામાં અબ્બાસ ઇસ્માઇલ સામાને માથા તથા શરીરના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ કેદી બેરેકમાં સૂતો હતો ત્યારે આરોપી દીપાન્શુ ચેતન વિશ્વકર્માએ બાથરૂમમાંથી પથ્થર લાવી તેના માથામાં માર્યો હોવાનો આક્ષેપ છે. પ્રાથમિક તપાસમાં ‘ડિસ્ટર્બ થતો હોવા' બાબતે ઉશ્કેરાઈ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભુજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર જવાની જગ્યાની સામાન્ય પૂછપરછ બાબતે થયેલી માથાકૂટમાં દીપાન્શુએ બિહારના મુકેશ ચંદ્રિકા સહની પર પાઇપથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. આ ગુનામાં રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો.
હાલની જેલની ઘટનામાં બી-ડિવિઝન પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારી એસ.એસ. પટેલના જણાવ્યા મુજબ આરોપી તથા ઇજાગ્રસ્ત કેદીના નિવેદન બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
