<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં દુર્લભ "ઓએચ" ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ની સફળ ઓળખ

રૂટિન ક્રોસ-મેચિંગ દરમિયાન ટેકનિકલ સ્ટાફની સતર્કતાથી ગંભીર જોખમ ટળ્યું : અતિ રક્તસ્ત્રાવથી પીડાતી મહિલાના લોહીમાં મળ્યું દુર્લભ ‘ઓએચ’ ગ્રુપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :  અતિ રક્તસ્ત્રાવથી જીવન સામે ઝઝૂમી રહેલી એક મહિલા દર્દી માટે લોહીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ ત્યારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કના ઇમ્યૂનો હેમેટોલોજી ટેકનિકલ સ્ટાફની ઝીણવટભરી તપાસ દર્દી માટે જીવનદાયી સાબિત થઈ હતી. રૂટિન ક્રોસ-મેચિંગ દરમિયાન દર્દીના લોહીમાં સામાન્ય ‘O’ ગ્રુપથી અલગ અને અત્યંત દુર્લભ ગણાતા ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ (Oh)’ની સફળતાપૂર્વક ઓળખ કરવામાં આવી હતી. કચ્છની એક ખાનગી હોસ્પિટલમાં અતિશય રક્તસ્ત્રાવની સ્થિતિમાં દાખલ થયેલી મહિલાને તાત્કાલિક રક્ત ચઢાવવાની જરૂરિયાત જણાતા તેમના લોહીના નમૂના જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. નિયમિત ક્રોસ-મેચિંગ દરમિયાન બ્લડ બેન્કના ઇમ્યૂનો હેમેટોલોજી ટેકનિકલ સ્ટાફને રક્તના ગ્રુપમાં અસામાન્યતા જણાતા વધુ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન એન્ટિજેન-એન્ટિબોડી ટેસ્ટ તેમજ લેક્ટિન ટેસ્ટ સહિતની આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે દર્દીનું બ્લડ ગ્રુપ દુર્લભ ‘બોમ્બે ગ્રુપ’ (Oh) હોવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. બ્લડ ટ્રાન્સફ્યુઝન નિષ્ણાત અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુમનબેન ખોજાએ જણાવ્યું હતું કે, બોમ્બે બ્લડ ગ્રુપ બહારથી જોતા ‘O’ ગ્રુપ જેવું જણાઈ શકે છે, પરંતુ તેમાં મહત્વપૂર્ણ તફાવત છે. જો આ ગ્રુપની સમયસર ઓળખ ન થાય અને સામાન્ય ‘O’ સહિત અન્ય ગ્રુપનું લોહી દર્દીને ચઢાવવામાં આવે તો ગંભીર રિએક્શન સર્જાઈ શકે છે અને દર્દીના જીવન સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. આવા સંજોગોમાં બ્લડ બેન્કની ટીમની સતર્કતા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેઈમ્સના ડાયરેક્ટર ડૉ. નરેન્દ્ર હિરાણી અને પેથોલોજી વિભાગના હેડ ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જરૂરી વિશેષ તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ ટીમની સાવચેતી અને સમયસર થયેલી ઓળખને કારણે દર્દીની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળી હતી.

*બોમ્બે બ્લડ ગ્રુપ શું છે અને શા માટે છે દુર્લભ?*

સામાન્ય રીતે માનવ રક્તના મુખ્ય ચાર ગ્રુપ A, B, AB અને O ગણવામાં આવે છે. સામાન્ય રક્તમાં ‘H’ એન્ટિજેન હાજર હોય છે, પરંતુ બોમ્બે બ્લડ ગ્રુપમાં આ H એન્ટિજેન ગેરહાજર હોય છે. તેથી તેને ‘Oh’ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રુપ ધરાવતા વ્યક્તિને સામાન્ય A, B, AB કે O ગ્રુપનું લોહી ચઢાવી શકાતું નથી; તેને યોગ્ય રીતે મેળ ખાતું બોમ્બે બ્લડ ગ્રુપનું જ લોહી જરૂરી હોય છે. આ કારણે આવા દર્દીઓ માટે સમયસર અને ચોક્કસ બ્લડ ગ્રુપની ઓળખ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.

આ દુર્લભ રક્તજૂથની પ્રથમ ઓળખ વર્ષ 1952માં મુંબઈમાં ડૉ. વાય. એમ. ભીંડે દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે તેનું નામ ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ પડ્યું. ઉપલબ્ધ આંકડા મુજબ વિશ્વમાં આશરે ચાલીસ લાખ વ્યક્તિએ એક અને ભારતમાં આશરે દસ હજાર વ્યક્તિએ એક વ્યક્તિમાં આ દુર્લભ રક્તજૂથ જોવા મળે છે.

જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં થયેલી આ સફળ ઓળખ ફરી એકવાર દર્શાવે છે કે રક્તદાન જેટલું જ મહત્વપૂર્ણ રક્તની ચોક્કસ ઓળખ, યોગ્ય તપાસ અને સલામત ટ્રાન્સફ્યુઝનનું છે. ટેકનિકલ સ્ટાફની સતર્કતા અને તબીબી ટીમના માર્ગદર્શનથી દર્દીની સારવારમાં એક સંભવિત ગંભીર જોખમને સમયસર ટાળી શકાયું છે.

(9:30 AM IST)