News of Monday, 8th June 2026
ભુજના નાના વરનોરા ગામે માથાભારે શખ્સોના દબાણ હટાવાયા: રૂ.૩૭.૫૦ લાખની સરકારી જમીન અતિક્રમણથી મુક્ત
તાજેતરમાં જ સામાન્ય બોલાચાલીમાં રાયધણપર ગામની લાઈટો બંધ કરી ગામમાં સશસ્ત્ર હુમલો કર્યો હતો, પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : તાજેતરમાં જ ભુજ તા.ના રાયધણપર ગામમાં વીજ પુરવઠો બંધ કરી શસ્ત્ર હુમલો કરવાના ચકચારી બનાવ બાદ પોલીસ ઉપર પથ્થરમારો કરવાના બનાવ બાદ નાના વરનોરા ગામ ચર્ચામાં રહ્યું છે. માથાભારે તત્વોએ ગામમાં બ્લેક આઉટ કરી કાયદો હાથમાં લઈ સર્જેલ બબાલ અને પોલીસ ઉપર પણ હુમલો કરવાની ઘટનાએ કાયદો વ્યવસ્થા સામે સવાલો સર્જ્યા હતા. સમગ્ર કચ્છમાં ખળભળાટ સર્જતા આ બનાવ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને માથાભારે શખ્સોએ કરેલ જમીન દબાણ ઉપર બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી દીધી છે.
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા માર્ગ અને મકાન (R&B) વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ હટાલ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગમાં અડચણરૂપ બનતી ૨૧ જેટલી પાકી દુકાનો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કામગીરીમાં અત્યાર સુધીમાં આશરે ૧૫૦૦ ચોરસ મીટર જેટલી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે. મુક્ત કરાયેલી આ સરકારી જમીનની કિંમત અંદાજિત રૂપિયા ૩૭ લાખ ૫૦ હજાર જેટલી થવા જાય છે.
સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની આ ઝુંબેશ હજુ પણ અવિરતપણે ચાલુ જ છે. કચ્છ વહીવટી તંત્ર દ્વારા નાના વરનોરાના ગામતળ અને સીમ વિસ્તારમાં રહેલા અન્ય ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
