<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

બોટાદના ગૌરક્ષકની મોટી કાર્યવાહી: કતલખાને જતાં 8 અબોલ પશુને બચાવ્યા

સામતભાઈ જેબલીયાની ટીમે નવરાત્રીના પવિત્ર દિવસે રાત્રે 3 વાગ્યાથી વોચ ગોઠવી, બરવાળા-કેરીયાઢાળ વચ્ચે ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરી તગડી ફાટક પાસે ઝડપી

બોટાદ તા.૧૬ : બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ વધુ એક વખત ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં અબોલ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી સામતભાઈ જેબલીયાને મળી હતી. બાતમી મુજબ એક ટ્રકમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવનાર હતા.

આ બાતમીના આધારે ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તેમની ટીમ સાથે રાત્રે 3 વાગ્યાથી બરવાળા અને કેરીયાઢાળ વચ્ચે વોચમાં ગોઠવાઈ ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે બાતમી મુજબની ટ્રક નીકળતા તેને ઉભી રાખવાની કોશિશ કરતા ડ્રાઈવરે ટ્રક ફૂલ સ્પીડે ભગાવી દીધી હતી.

ત્યારબાદ સામતભાઈએ તેમની બંને કાર સાથે ટ્રકનો પીછો કર્યો હતો અને ધંધુકાની ટીમને જાણ કરતા તેઓ પણ ફોર વ્હીલર સાથે ધંધુકાથી બરવાળા તરફ આવ્યા હતા. તગડીના રેલવે ફાટક પાસે ટ્રક દેખાતા કાર આડી નાખી ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી.

ડ્રાઈવરને નામ પૂછતા તેણે પોતાનું નામ કાદરહુસેન કુંડલા હોવાનું જણાવ્યું હતું. ટ્રકની તપાસ કરતા અંદર 8 અબોલ પશુઓને ઘાસ-પાણી વગર ક્રૂરતાપૂર્વક બાંધેલા હાલતમાં મળી આવ્યા હતા. પશુ હેરફેરના કોઈ પણ પ્રકારના પાસ-પરમીટ પણ ન હતા.

ત્યારબાદ પોલીસને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.અબોલ પશુને કતલખાને લઈ જતા વાહનો અંગે કોઈ પણ માહિતી હોય તો ગૌરક્ષક સામતભાઈ જેબલીયા મો. 9824390133 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

(12:56 PM IST)