<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

વેરાવળ ફાયરિંગ વિથ મર્ડર કેસમાં મોટી સફળતા: પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા

એફ.એમ. ગ્રૂપના ફારૂક મૌલાના સહિત ચારેય આરોપીઓએ ઘંધાકીય અદાવતમાં હત્યા કર્યાનો ખુલાસો, સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરીની પ્રશંસા

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૧ : વેરાવળમાં થયેલ ચકચારી ફાયરિંગ વિથ મર્ડરની ઘટનામાં વેરાવળ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સમગ્ર પંથકમાં રાહતની લાગણી ફેલાઈ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળમાં થયેલ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિની હત્યા નિપજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનાર એફ.એમ. ગ્રૂપના ફારૂક મૌલાના સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચારેય આરોપીઓએ કબૂલાત કરી છે કે આ હત્યા ઘંધાકીય અદાવતમાં કરવામાં આવી હતી. આરોપીઓ અને મૃતક વચ્ચે ધંધાને લઈને લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેનું પરિણામ આ હત્યામાં આવ્યું હતું.

 

હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

 

વેરાવળ પોલીસની આ ત્વરિત અને નક્કર કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લેવાતા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

 

 

(3:34 PM IST)