તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સર્વોત્તમ ડેરી દ્વારા પશુપાલકોને દિવાળી બાદ મોટી ભેટ : આગામી ૨૧ નવેમ્બરથી દૂધના ખરીદભાવમાં કિલોફેટે રૂ. ૩૦નો વધારો કરીને રેકોર્ડબ્રેક રૂ. ૯૫૦ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ખરીદભાવ આપતી ભાવનગરની સર્વોત્તમ ડેરીના નિર્ણયથી દૂધ ઉત્પાદકોની માસિક આવકમાં રૂ. ૫ કરોડનો સીધો વધારો થશે : ગાયના દૂધના રૂ. ૯૫૦ થી ૧૨૫૦ સુધીના ભાવ ચૂકવીને રાજ્યમાં અગ્રેસર

ભાવનગર: જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સર્વોત્તમ ડેરી) દ્વારા પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વધુ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ. આર. જોષી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં આગામી તા. ૨૧ નવેમ્બર ૨૦૨૬ એટલે કે 'દૂધ ખરીદ દિવસ' થી દૂધના ખરીદભાવમાં કિલોફેટે સીધો રૂપિયા ૩૦નો વધારો કરવાનું નક્કી કરાયું છે. આ વધારા સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલોફેટે રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૦નો ભાવ ચૂકવવામાં આવશે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે.
શિયાળુ ખેતીના ખર્ચમાં રાહત આપવાના શુભ આશયથી લેવાયો નિર્ણય:
સામાન્ય રીતે દિવાળીના તહેવારો બાદ દૂધના ખરીદભાવમાં ઘટાડો થતો હોય છે. જોકે, સર્વોત્તમ ડેરીએ ગત વર્ષે પણ દિવાળી બાદ ભાવ ઘટાડ્યા ન હતા, જ્યારે ચાલુ વર્ષે તોતિંગ ભાવવધારો કરીને પશુપાલકોને અમૂલ્ય ભેટ આપી છે. આ વર્ષે ચોમાસામાં ખેતીની આંશિક આવક થઈ હોવાથી અને હાલમાં શિયાળુ પાકની વાવણી માટે ખાતર, બિયારણ તેમજ રાસાયણિક દવાઓ જેવા ખેતીના ખર્ચાઓમાં ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તેવા શુભ આશયથી આ નિર્ણય લેવાયો છે. હાલમાં પશુપાલકોને કિલોફેટે રૂ. ૯૨૦ ચૂકવવામાં આવી રહ્યા છે, જે ૨૧ નવેમ્બરથી વધીને રૂ. ૯૫૦ થઈ જશે.
ગત વર્ષની સરખામણીએ કિલોફેટે રૂ. ૫૦નો જંગી તફાવત:
સર્વોત્તમ ડેરીના આ નિર્ણયથી નવેમ્બર મહિનાથી શરૂ કરીને આગામી દરેક માસમાં જિલ્લાના દૂધ ઉત્પાદકોની માસિક આવકમાં આશરે રૂપિયા ૫ કરોડનો નોંધપાત્ર વધારો થશે. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બર ૨૦૨૫માં ડેરી દ્વારા કિલોફેટે રૂ. ૯૦૦ ચૂકવવામાં આવતા હતા, જેની સરખામણીએ નવેમ્બર ૨૦૨૬માં રૂ. ૯૫૦ ચૂકવાશે, એટલે કે એક વર્ષના ગાળામાં પશુપાલકોને કિલોફેટે સીધો રૂ. ૫૦નો ભાવવધારો પ્રાપ્ત થશે. આ ઉપરાંત, આજે વિશ્વસ્તરે સર્વોત્તમ ડેરી ગાયના દૂધના રૂ. ૯૫૦ થી લઈને રૂ. ૧૨૫૦ સુધીના ભાવ ચૂકવી રહી છે, જે સમગ્ર જિલ્લા અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.
પારદર્શક વહીવટ થકી શ્વેતક્રાંતિથી આર્થિક ક્રાંતિ:
સર્વોત્તમ ડેરીના સંચાલકોના પારદર્શક, પ્રામાણિક અને કરકસરભર્યા વહીવટને કારણે દૂધના ખરીદભાવ ચૂકવવામાં ડેરી હરહંમેશ પ્રથમ ક્રમે રહી છે. જિલ્લામાં શ્વેતક્રાંતિના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો સિંહફાળો રહ્યો છે. પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવતા આ રેકોર્ડબ્રેક ભાવવધારાના સમાચાર જાહેર થતા જ ભાવનગર જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
