તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 8th November 2026
દિવાળીના પર્વે ગીરના શેરડી પકવતા ખેડૂતોને મોટી ભેટ: આઈ .પી .એલ કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખાતે 14 નવેમ્બરથી શેરડીનું પીલાણ શરૂ થશે
ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) દ્વારા પ્રતિ ટન રૂ. 3,300 શેરડીનો ભાવ જાહેર, ગત વર્ષની સરખામણીએ રૂ. 300નો વધારો; આ વર્ષે ત્રણ લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક: પાણીની તંગી વચ્ચે ટપક સિંચાઈ માટે ગુજરાત સરકારની સબસિડી ઉપરાંત IPL આપશે પ્રતિ હેક્ટર રૂ. 18 હજારની વધારાની સહાય; દરેક ખેડૂતની શેરડી ખરીદવાની યુનિટ હેડ યશ સોલંકીની ખાતરી

કોડીનાર: ગીર સોમનાથ જિલ્લાના શેરડી ઉત્પાદક ખેડૂતો માટે દિવાળીના પાવન પર્વે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોડીનારની ખેડૂતોની જીવાદોરી સમાન અને વર્ષોથી આ વિસ્તારની ઓળખ બનેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં ફરી શેરડીના પીલાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ભાડાપટ્ટે સંચાલન હેઠળ લેવામાં આવેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ, કોડીનારમાં આગામી 14 નવેમ્બર, 2026થી નવા પિલાણ સત્રનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ચાલુ વર્ષે શેરડીનો ભાવ પ્રતિ ટન રૂ. 3,300 જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને પ્રતિ ટન રૂ. 300 વધુ ભાવ મળવાનો હોવાથી શેરડી પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
દિવાળીના શુભ અવસરે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ, કોડીનારના યુનિટ હેડ યશ સોલંકીએ વિસ્તારના તમામ ખેડૂત ભાઈ-બહેનોને દિવાળી અને નૂતન વર્ષ ની શરૂઆતમાં ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી તેમણે જણાવ્યું છે કે, ગત વર્ષે વિવિધ કારણોસર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ માત્ર 45 દિવસ કાર્યરત રહ્યો હતો, જ્યારે આ વર્ષે અંદાજે 100થી 120 દિવસ સુધી પીલાણ કામગીરી ચાલુ રહેવાની શક્યતા છે. ઉદ્યોગની દૈનિક 2,700થી 2,800 મેટ્રિક ટન શેરડીના પીલાણની ક્ષમતા છે અને સમગ્ર સિઝન દરમિયાન ત્રણ લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
યુનિટ હેડ યશ સોલંકીએ ખેડૂતોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે વિસ્તારના પ્રત્યેક ખેડૂતની શેરડી ખરીદવાનો કંપનીનો પ્રયાસ રહેશે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ખેડૂતો દ્વારા શેરડીના પાકનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જોકે, જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ પણ બિલેશ્વર ખાંડ ઉદ્યોગની કચેરી અથવા ઇન્ડિયન પોટાશ લિમિટેડના ફિલ્ડ સ્ટાફનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકે છે. નોંધણી ન કરાવનારા ખેડૂતોની શેરડી પણ ખરીદવાની કંપનીએ તૈયારી દર્શાવી છે, જેથી કોઈ ખેડૂતને પોતાના પાકના વેચાણ માટે મુશ્કેલી ન પડે સાથો સાથ ખેડૂતોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે શેરડીના પૂરવઠા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં સીધી બેંક ચુકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શેરડીની ખરીદીના 14થી 15 દિવસની અંદર રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાની ખાતરી આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને સમયસર નાણાં મળી રહેતાં ખેતીના ખર્ચ અને આગામી પાકની તૈયારીમાં રાહત મળશે.
આગામી ખેતીની સિઝનમાં ઓછા વરસાદ અને પિયતના પાણીની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શેરડીના પાકમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય અને ઓછા પાણીમાં પણ સારું ઉત્પાદન મેળવી શકાય તે હેતુથી જૈન ઇરિગેશન સિસ્ટમ્સ લિમિટેડ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું છે. આ કરાર અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મળતી સબસિડી ઉપરાંત ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને ટપક સિંચાઈ માટે પ્રતિ હેક્ટર રૂ. 18,000ની વધારાની સબસિડી આપવામાં આવશે. કંપનીના આ નિર્ણયથી ખેડૂતોને આધુનિક સિંચાઈ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન મળશે તેમજ પાણીની બચત સાથે શેરડીના ઉત્પાદનને ટકાવી રાખવામાં મદદરૂપ થશે.
બિલેશ્વર ખાંડ ઉદ્યોગના HOD કેન યતેન્દ્ર પંવારે પણ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શેરડીના પાકની કાપણી બાદ ખેતરમાં રહેતાં શેરડીની પતરી અને ધ્રોયા (ઠૂંઠાં) જેવા અવશેષોને સળગાવવાને બદલે ખેતરમાં જ તેનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. અવશેષો સળગાવવાથી જમીનની ફળદ્રુપતા અને ઉપયોગી સૂક્ષ્મજીવોને નુકસાન થઈ શકે છે. તેના બદલે રટૂન વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવવાથી ઓછા ખર્ચે આગામી પાકનું ઉત્પાદન મેળવી શકાય છે અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મદદ મળી શકે છે.
ખેડૂતોને રાસાયણિક ખાતર સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી બિલેશ્વર ખાંડ ઉદ્યોગના પરિસરમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રના માધ્યમથી ખેડૂતોને વર્ષ દરમિયાન વિવિધ પ્રકારનાં ખાતર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી ખેતીની મોસમમાં ખાતરની અછતનો સામનો ન કરવો પડે.
ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ વેન સેવા પણ ચલાવવામાં આવી રહી છે. આ મેડિકલ વેનમાં ડૉક્ટર અને મેલ નર્સની ટીમ ગામડે-ગામડે જઈ ગ્રામજનોનું નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણ કરે છે તેમજ જરૂરિયાત મુજબ મફત દવાઓનું વિતરણ કરે છે. આ સેવા દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ આ વિસ્તારની ખેતી, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને સ્થાનિક રોજગારી સાથે વર્ષોથી સીધી રીતે સંકળાયેલો છે. આ ખાંડ ઉદ્યોગ ફરી કાર્યરત થવાથી શેરડી ઉત્પાદક ખેડૂતોને પોતાના પાકના વેચાણ માટે સ્થાનિક સ્તરે સુવિધા ઉપલબ્ધ થશે. ગત વર્ષે મર્યાદિત સમય માટે કાર્યરત રહેલો ઉદ્યોગ આ વર્ષે લાંબા સમય સુધી કાર્યરત રહેવાની સંભાવના, શેરડીના ભાવમાં વધારો, સમયસર ચુકવણી અને ટપક સિંચાઈ માટેની વિશેષ સબસિડી જેવા નિર્ણયો ખેડૂતો માટે આશાસ્પદ બની રહ્યા છે. દિવાળીના પર્વે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતોથી શેરડી ઉત્પાદક ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
