<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેની મોટી રાહત: રાજકોટ-વેરાવળ ટ્રેનમાં ઉમેરાશે ૨ વધારાના કોચ, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર!

પશ્ચિમ રેલવે દ્વારા ૧ ઓગસ્ટથી દાદર-ભુજ, કચ્છ એક્સપ્રેસ અને ભાવનગર-કાકીનાડા ટ્રેન રીશેડ્યુલ કરાઈ; મુસાફરી શરૂ કરતા પહેલા સમય ચકાસવા માટે રેલવે પ્રશાસનની ખાસ અપીલ

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખુબ જ રાહતના અને મહત્ત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન રેલવે સ્ટેશનો પર જોવા મળતી અભૂતપૂર્વ ભીડ અને યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના ૨ જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે.
સોમનાથ યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, નીચે મુજબની ટ્રેનોમાં વધારાના કોચની સગવડ ઉપલબ્ધ કરાવાઈ છે:
•    ટ્રેન નંબર ૫૯૪૨૧ (રાજકોટ-વેરાવળ): ૨ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ૨ વધારાના જનરલ કોચ સાથે દોડશે.
•    ટ્રેન નંબર ૫૯૪૨૨ (વેરાવળ-રાજકોટ): ૩ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧ નવેમ્બર ૨૦૨૬ સુધી આ સુવિધાનો લાભ મળશે.
આ નવા ફેરફાર બાદ હવે આ ટ્રેનમાં કુલ ૧૩ કોચ (૧૧ જનરલ અને ૨ લગેજ વાન) થઈ જશે, જેનાથી શ્રદ્ધાળુઓની સોમનાથ યાત્રા વધુ સુગમ અને આરામદાયક બનશે.
ઓપરેશનલ કારણોસર કેટલીક મહત્વની ટ્રેનોના સમયમાં ફેરફાર
ઓપરેશનલ કારણો અને સામી લિંકની ટ્રેનો મોડી હોવાના લીધે આજે ૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઉપડનારી કેટલીક એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર (રીશેડ્યુલિંગ) કરવામાં આવ્યો છે:
•    દાદર–ભુજ સયાજી નગરી એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૦૯૦૭): તેના નિર્ધારિત સમય બપોરે ૧૫:૧૫ વાગ્યાને બદલે ૪ કલાક મોડી એટલે કે સાંજે ૧૯:૧૫ કલાકે રવાના થશે.
•    બાંદ્રા ટર્મિનસ–ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૫૫): તેના નિર્ધારિત સમય ૧૭:૪૫ વાગ્યાને બદલે ૧ કલાક અને ૧૦ મિનિટ મોડી એટલે કે સાંજે ૧૮:૫૫ કલાકે ઉપડશે.
•    ભાવનગર ટર્મિનસ–કાકીનાડા પોર્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૨૭૫૬): સામી લિંકની ટ્રેન મોડી હોવાથી આ ટ્રેન સવારે ૦૪:૨૫ વાગ્યાને બદલે ૮ કલાક મોડી એટલે કે બપોરે ૧૨:૨૫ કલાકે રવાના થશે.
રેલવે પ્રશાસને સમયપત્રકમાં થયેલા આ અણધાર્યા ફેરફાર બદલ મુસાફરોને પડેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે અને તમામ યાત્રિકોને સ્ટેશને પહોંચતા પહેલાં ટ્રેનની નવીનતમ સ્થિતિ (Live Status) ચકાસી લેવા નમ્ર વિનંતી કરી છે.

(6:57 PM IST)