<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મોરબીના સામાજિક અગ્રણી મનોજ પનારાનું મોટું પગલું: ખેડૂત આંદોલનમાં સક્રિયતાના કારણે ગૌશાળાના પ્રમુખ પદેથી રાજીનામુ : સરકાર પર દબાણ અને રાજકીય ષડયંત્રનો સીધો આક્ષેપ

"ગૌશાળા પાડી નાખવાની નોટિસ મોકલીને ડરાવવાની કોશિશ" મોરબીમાં ગૌશાળાઓને મળતી કરોડોની સહાય વચ્ચે રાજીનામાથી રાજકારણ ગરમાયું : મનોજ પનારાનો ગંભીર આરોપ

( પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૮ : મોરબી જિલ્લાના જાણીતા સામાજિક અગ્રણી અને ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર *મનોજ પનારાએ* ગૌશાળાના પ્રમુખ પદેથી અચાનક રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે આ રાજીનામાને પોતાની નૈતિક ફરજ ગણાવી છે. 

 

મનોજ પનારાના જણાવ્યા મુજબ છેલ્લા સમયથી તેઓ ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આથી સરકાર દ્વારા તેમના પર દબાણ લાવવા માટેની રણનીતિ અપનાવવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે "હું ગૌશાળાનો પ્રમુખ હોવાથી સરકારે મને ખેડૂત આંદોલનમાંથી પાછો હટાવવા માટે ગૌશાળા જ પાડી નાખવાની નોટિસ મોકલી છે. આ એક પ્રકારનું માનસિક અને વહીવટી દબાણ છે."

 

 ચેરિટી કમિશનરમાં રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ, ગાયોના નામે રાજકારણનો આરોપ

 

 

 

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે રાજીનામું આપ્યા બાદ તેમણે ચેરિટી કમિશનર કચેરીમાં તેની તમામ કાયદેસરની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. હવે તેઓ ગૌશાળાના પ્રમુખ તરીકેની કોઈપણ જવાબદારીમાંથી મુક્ત થયા છે.

રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "સરકારે મને ડરાવવા, ધમકાવવા જેટલા પ્રયત્નો કરવા હોય કરી લેવા. મનોજ પનારા કોઈથી ડરે તેમ નથી. જે સરકાર ગાયોના નામે મત માંગે છે અને પછી ગૌશાળાઓને જ બંધ કરવાની નોટિસ આપે છે, તેની વાસ્તવિકતા હવે પ્રજા સમજી ગઈ છે."

આ ઘટના એવા સમયે બની છે જ્યારે મોરબી જિલ્લાની આશરે 85 ગૌશાળા અને પાંજરાપોળોને રાજ્ય સરકારની "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" હેઠળ 23,500થી વધુ પશુઓ માટે 6.5 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. 

એક તરફ સરકાર ગૌરક્ષા અને ગૌસંવર્ધનની વાત કરે છે, તો બીજી તરફ એક ગૌશાળાના પ્રમુખ દ્વારા સરકાર પર દબાણના આક્ષેપ સાથે રાજીનામું આપવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ખેડૂત સંગઠનો અને સામાજિક કાર્યકરો પણ આ મામલે સરકારનું સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે.

હાલમાં આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત ગૌશાળાના અન્ય સંચાલકો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

(3:02 PM IST)