<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

જેતપર ખેડૂત આંદોલનની મોટી જીત : સરકારે તાત્કાલિક વીજલાઈન વળતરમાં ધરખમ વધારો કરતો જીઆર (GR) બહાર પાડ્યો

ખેડૂતોની લેખિત જાહેરાતની માંગ સામે ઊર્જા વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો : ટાવર બેઝ માટે બજાર કિંમતના ૨૦૦% અને રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે કેટેગરી મુજબ ૬૦% સુધી વળતર આપવા સંયુક્ત સચિવ આશિષ વાળાનો આદેશ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે આખરે સરકારે ઝૂકવું પડ્યું છે અને ખેડૂતોના હિતમાં એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેતપુરમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે સરકારે શુક્રવારે વીજલાઈન વળતરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતોએ આ મામલે મૌખિક આશ્વાસનના બદલે સત્તાવાર જીઆર (GR) પ્રસિદ્ધ કરવાની મક્કમ માંગ ઉઠાવી હતી. પરિણામે, ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નવો ઠરાવ પસાર કરીને સંકલિત અને અદ્યતન માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવા ઠરાવથી ટ્રાન્સમિશન લાઈન કે ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક અને ફળાઉ ઝાડને થતા નુકસાનના વળતરમાં મોટો વધારો મંજૂર કરાયો છે.

ટાવરના પાયાની જમીન માટે ૨૦૦% વળતર મળશે:

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવની જોગવાઈઓ મુજબ, ખેતરમાં ટ્રાન્સમિશન ટાવરના સ્થાપનને કારણે ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગની જમીનને જે નુકસાન થાય છે, તેના પેટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા નિર્ધારિત થયેલી જમીનની બજાર કિંમતના ૨૦૦% એટલે કે સીધું બમણું વળતર ચૂકવવામાં આવશે. આ વળતરની ગણતરી કરતી વખતે ટાવરના ચાર પાયાના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત દરેક બાજુએ ૧ મીટરનું વધારાનું વિસ્તરણ (Extension) પણ ધ્યાને લેવામાં આવશે, જેથી ખેડૂતોને વધુ આર્થિક લાભ મળી શકે.

રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે અલગ-અલગ કેટેગરી મુજબ ચૂકવણી:

ખેડૂતોની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઈનના રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે જમીનની બજાર કિંમતને આધારે અલગ-અલગ વિસ્તારો માટે ત્રણ કેટેગરી મુજબ વળતર નક્કી કરાયું છે:

  ગ્રામ્ય વિસ્તારો માટે: જમીનની બજાર કિંમતના ૩૦% વળતર અપાશે.

  નગરપાલિકાઓ, નગર પંચાયતો અને શહેરી આયોજન વિસ્તારો માટે: જમીનની કિંમતના ૪૫% વળતર ચૂકવાશે.

  મહાનગરપાલિકાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારો માટે: જમીનની કિંમતના ૬૦% વળતર નક્કી કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટી બનશે:

જમીનનો સાચો બજાર ભાવ નક્કી કરવા અને વળતરને લગતા તમામ પ્રશ્નોના સુચારુ નિરાકરણ માટે દરેક જિલ્લામાં 'માર્કેટ રેટ કમિટી' (MRC) ની રચના કરવામાં આવશે. આ કમિટીમાં જિલ્લા કલેક્ટર ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે જમીનમાલિકોના એક પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર (TSP) ના પ્રતિનિધિ સભ્ય તરીકે રહેશે. જમીનનું મૂલ્યાંકન પારદર્શી રીતે થાય તે માટે આ કમિટી દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (IBBI) માન્ય ૩ સ્વતંત્ર મૂલ્યાંકનકારો (Valuers) પાસે જમીનની કિંમત નક્કી કરાવવામાં આવશે.

કામ શરૂ થાય તે પહેલાં સીધા બેંક ખાતામાં ડિજિટલ ચૂકવણી થશે:

આ વળતર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે સરકારે નક્કી કર્યું છે કે વળતરની રકમ કોઈ વચેટિયા વગર સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ડિજિટલ બેંકિંગ, આરટીજીએસ (RTGS) કે નેફ્ટ (NEFT) ના માધ્યમથી જમા કરવામાં આવશે. આ ચૂકવણી વીજલાઈનની ભૌતિક કામગીરી શરૂ કરતાં પહેલાં ખેડૂતની સંમતિ મેળવીને અગાઉથી જ કરી દેવાની રહેશે. આ ઉપરાંત, ખેતરમાં પાકના નુકસાન પેટે વળતર ચૂકવતી વખતે મૂલ્યાંકન માટે એપીએમસી (APMC) એ નક્કી કરેલા બજાર દરો જ લાગુ કરવામાં આવશે.

૬૬ કેવીથી વધુ ક્ષમતાની તમામ પ્રગતિ હેઠળની લાઈનોને નિયમ લાગુ પડશે:

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળાના હુકમથી બહાર પાડવામાં આવેલો આ ઠરાવ રાજ્યમાં નાખવામાં આવનારી તમામ નવી વીજલાઈનો તેમજ હાલમાં પ્રગતિમાં (Ongoing) હોય તેવી તમામ ૬૬ કેવી (KV) અને તેથી વધુ વીજભાર ધરાવતી ટ્રાન્સમિશન લાઈનોના કામો માટે સમાન રીતે લાગુ પાડી દેવામાં આવ્યો છે. સરકારના આ સત્તાવાર લેખિત જીઆર બાદ આંદોલનકારી ખેડૂતોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે.

(10:02 PM IST)