<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ગાંધીધામની જાણીતી લોજિસ્ટિક્સ કંપની સાથે અત્યાર સુધીની સૌથી મોટી સાયબર ઠગાઈ: OTP કે ઓથોરાઈઝેશન વિના માત્ર ૫૦ મિનિટમાં બેંક ખાતામાંથી રૂ. ૮.૪૬ કરોડ છૂમંતર

ઓનલાઈન હેકિંગ દ્વારા ઉપરાઉપરી ૨૦૯ સફળ ટ્રાન્ઝેક્શન કરીને તોતિંગ રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ, ખાતું ફ્રીઝ થાય તે પૂર્વે ભેજાબાજોએ આચર્યું કરોડોનું કૌભાંડ, પોલીસમાં ફરિયાદ દર્જ

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં સાયબર ગઠિયાઓએ ટેક્નોલોજીનો અતિ આધુનિક દુરુપયોગ કરીને અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીને અંજામ આપ્યો છે, જેમાં એક અગ્રણી લોજિસ્ટિક્સ કંપનીનું બેંક ખાતું હેક કરીને માત્ર ૫૦ મિનિટના ગાળામાં રૂ. ૮.૪૬ કરોડથી વધુની રકમની બારોબાર તફડંચી કરી લેવાતા અરેરાટી મચી ગઈ છે.

 

પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલી ‘મારુતિનંદન લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ કરશનભાઈ મોકરિયાએ અજાણ્યા સાયબર ઠગો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા. ૪-૧૧-૨૦૨૬ ના રોજ સાંજે ૬.૫૮ થી ૭.૪૮ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કંપનીના કેશ ક્રેડિટ/ઓવરડ્રાફ્ટ બેંક ખાતાનું નેટબેન્કિંગ એક્સેસ મેળવીને આ ચકચારજનક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

 

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કંપનીના અધિકૃત રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક પણ વન ટાઈમ પાસવર્ડ (OTP) કે કોઈપણ પ્રકારના ઓથોરાઈઝેશન વગર જ સાયબર ભેજાબાજોએ બારોબાર ૨૧૧ જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આદર્યા હતા, જેમાંથી સફળ રહેલા ૨૦૯ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૮,૪૬,૦૭,૮૪૯ ની રકમ દેશના વિવિધ શંકાસ્પદ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

 

ખાતામાંથી ક્ષણવારમાં કરોડો રૂપિયા કપાઈ રહ્યા હોવાની જાણ થતાં જ કંપનીના માલિકે તાત્કાલિક સંબંધિત બેંક મેનેજરનો સંપર્ક સાધીને ડેબિટ વ્યવહારો અટકાવવા અપીલ કરી હતી, પરંતુ બેંક દ્વારા ખાતું સંપૂર્ણપણે ફ્રીઝ કરવામાં આવે તે પૂર્વે જ ગઠિયાઓએ તમામ ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પાર પાડીને કરોડો રૂપિયાની સેરવી લીધા હતા.

 

આ વિરાટ કૌભાંડે સમગ્ર પોલીસ અને બેન્કિંગ તંત્ર સામે મોટો આહ્વાન ખડો કર્યો છે, જેથી ગાંધીધામ પોલીસે અજાણ્યા ટેકનો-સેવી સાયબર ક્રિમિનલ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, નાણાં કયા ખાતાઓમાં ડાયવર્ટ થયા છે તેની કડીઓ મેળવવા ચક્ર ગતિમાન કર્યા છે.

(6:22 PM IST)