<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

લખતર-વિરમગામ હાઈવે પર બાઈક કપચીના ઢગલા સાથે અથડાયું:અકસ્માતમાં 29 વર્ષીય યુવકનું મોત :એક ગંભીર

લખતરના બે યુવાનો ઓળક ગામે કડિયા કામની મજૂરી કરીને બાઈક પર પરત લખતર તરફ આવતા હતા ટાયરે હાઈવે પર વાહનની તેજ હેડલાઈટના કારણે અંજાય જવાથી બાઈક ચાલકનો કાબૂ છૂટી ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પરથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. લખતરના બે યુવાનો ઓળક ગામે કડિયા કામની મજૂરી કરીને પોતાના બાઈક પર પરત લખતર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર સામેથી આવતા વાહનની તેજ હેડલાઈટના કારણે અચાનક અંજાય જવાથી બાઈક ચાલકનો કાબૂ છૂટી ગયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સામેથી આવતા વાહનની લાઈટથી આંખે અંજાયા બાદ બાઈક રોડ પર બાંધકામ અર્થે રાખેલા કપચીના ઢગલા પર ચડી ગયું અને ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક ટક્કરમાં બાઈક પર સવાર 29 વર્ષીય કિશોરભાઈ ઉકાભાઈ દુલેરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા જ રાહદારીઓ દ્વારા તુરંત જ લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. લખતર પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ સહિતની કાગળોની કાર્યવાહી હાથ ધરી છે, અને આ માર્ગ પર પડેલા કપચીના ઢગલા તેમજ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

(12:20 AM IST)