તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
થાન પાસે ગાય આડી આવતાં બાઇક ફંગોળાયું: મુળીના પલાસ ગામના રાજુભાઇ સારલાનું મોત
ત્રીસ વર્ષિય યુવાન થાન વસ્તુ લેવા જતો હતો ત્યારે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ નવા વર્ષના દિવસે જ ચાર દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૧: રસ્તા પર અચાનક પશુ, ઢોર આવી જવાને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા રહે છે. ઘણીવાર આવા બનાવ જીવલેણ પણ નીવડે છે. દરમિયાન મુળીના પલાસા ગામના યુવાનનું થાન પાસે બાઇક આડે અચાનક ગાય આવી જવાને કાણે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. બેસતા વર્ષના દિવસે જ આ બનાવ બનતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ મુળીના પલાસા ગામે રહેતાં રાજેશભાઇ (રાજુભાઇ) ગોવિંદભાઇ સારલા (ઉ.વ.૩૦) નામના કોળી યુવાન તા.૯ના ધોકાને દિવસે બપોરે બે વાગ્યે કોઇ કામ માટે પલાસાથી થાન ગામે જતાં હતાં ત્યારે થાન નજીક પહોંચ્યા તે વખતે અચાનક રોડ પર ગાય આડી આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં તે બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.
પ્રથમ થાન હોસ્પિટલમાં સારવાર અપાવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન બેસતા વર્ષની સાંજે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાજુભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરીઓ છે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. રાજુભાઇ ખેતી મજુરી અને અન્ય છુટક મજૂરી કરતાં હતાં. (૧૪.૧૧)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
