<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજુલા પાલિકાની ભાજપ બોડી પર પ્રહારઃ જનતા હેરાન : કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂના આક્ષેપ

શહેરમાં ગંદકી, ખુલ્‍લી ગટર, તૂટેલા રસ્‍તા અને ભ્રષ્ટાચારના આક્ષેપ, ટીકુભાઈએ કહ્યું - વિપક્ષ ન હોવાથી પ્રજાનો અવાજ દબાયો, આગામી ચૂંટણીમાં જનતા જવાબ આપશે

અમરેલી-રાજુલા-સાવરકુંડલા તા.૨૯: અમરેલી જિલ્‍લા કોંગ્રેસ ઉપપ્રમુખ  ટીકુભાઈ વરૂએ રાજુલા નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ભલે ૫ વખત પ્રમુખ બદલાયા હોય, પણ શહેરના વિકાસના કામો ક્‍યારેય અટક્‍યા નહોતા અને જનતાને આજની જેમ હાલાકી વેઠવી પડી નહોતી.

ટીકુભાઈએ જણાવ્‍યું કે રાજુલાની જનતાએ ભાજપને ૨૮ માંથી ૨૮ સભ્‍યો ચૂંટી આપ્‍યા અને વિપક્ષને એક પણ બેઠક આપી નહીં. તેનો જ પરિણામ આજે ભોગવો પડી રહ્યો છે. આજે વેપારીઓ અને લોકો પસ્‍તાવો કરી રહ્યા છે કારણ કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ ન હોવાથી પ્રશ્નો ઉઠાવનાર કોઈ નથી. શહેરમાં ભયનું વાતાવરણ છે અને લોકો ખુલ્‍લેઆમ સમસ્‍યા રજૂ કરવામાં અચકાય છે.

 આગરીયા જકાતનાકા, હિડોળા, વડલી, ભેરાઈ અને છતડિયા - શહેરના દરેક પ્રવેશદ્વારે ગંદકીના ઢગલા જોવા મળે છે. સફાઈ વ્‍યવસ્‍થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. પોલીસ સ્‍ટેશનથી હવેલી ચોક સુધી વર્ષોથી ગટર ખુલ્‍લી છે. વરસાદી અને ગટરનું પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસે છે અને મોટું નુકસાન થાય છે. વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે. વારંવાર એક જ એજન્‍સીને કામ આપવામાં આવે છે. આક્ષેપ કર્યો કે નગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ જ કોન્‍ટ્રાક્‍ટર બનીને કામ કરે છે અને જ્‍યાં વધુ ટકાવારી મળે તેવા કામોને પ્રાથમિકતા અપાય છે.

ચૂંટણી સમયે મોટા વચનો અપાયા હતા પણ આજે રસ્‍તા તૂટેલા છે, ગંદું પીવાનું પાણી મળે છે. છતડિયા રોડ પર ભાજપના અગ્રણીઓ રહેતા હોવા છતાં રોડની હાલત દયનીય છે. રાજુલા જેવા મહત્‍વના શહેરમાં આજે પણ ટાઉનહોલ જેવી મૂળભૂત સુવિધા નથી.

ટીકુભાઈએ કહ્યું કે જનતા નિયમિત ટેક્‍સ ભરે છે છતાં સ્‍વચ્‍છતા, પાણી અને રસ્‍તા જેવી પાયાની સુવિધા નથી મળતી. જનતાના પૈસાનો ઉપયોગ ક્‍યાં થાય છે તેનો જવાબ ભાજપે આપવો જોઈએ.

ટીકુભાઈ વરૂએ અંતમાં કહ્યું કે રાજુલાની જનતા હવે બધું જોઈ અને સમજી રહી છે. શહેરની અવગણના અને ખોખલા વિકાસના દાવાનો જવાબ જનતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપશે. કોંગ્રેસ હંમેશા જનતાના હક્ક માટે મજબૂત અવાજ ઉઠાવતી રહેશે.

(1:46 PM IST)