News of Friday, 1st May 2026
જસદણ ભાજપ પ્રમુખ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીની ટેલિફોનીક ચર્ચા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈમાનદારીથી કામ કરનાર હોદ્દેદારોની પાર્ટીએ લીધી નોંધ; વિજયભાઈ રાઠોડની ચાવીરૂપ ભૂમિકાને મળી સરાહના

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા. ૩૦: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપે બાજી મારી છે અને ચૂંટાયેલા સભ્યો એક-બે દિવસમાં પદાધિકારી તરીકે ગોઠવાઈ જશે. ત્યારે આ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે હોદ્દેદારોએ પક્ષ સાથે ઈમાનદારીથી કામ કર્યું તેની પાર્ટીએ ખાસ નોંધ લીધી હોય એવો ગુરુવારે સાંજે ઘાટ ઘડાયો હતો.
આ બાબતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીએ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. આ વાતચીત માત્ર ઔપચારિક હતી છતાં થોડી મિનિટની વાતમાં આત્મીયતાનો રણકો હતો. અત્રે નોંધનીય છે કે થોડાં સમય પહેલાં ગુજરાતની મુલાકાતે આવેલા નીતિન નબીએ પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે રાજનીતિ આરામ નહીં પણ તપસ્યા છે.
બીજી તરફ જોઈએ તો જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બાપદાદાના વખતથી ભાજપમાં જોડાયેલા છે. ખાસ કરીને ભાજપ પ્રમુખ તરીકે તેમણે એક વર્ષ પહેલાં નગરપાલિકા અને હાલમાં પૂરી થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ભગવો લહેરાવવામાં તેમનું જબરજસ્ત યોગદાન રહ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે થયેલી આ વાતચીતથી સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
