તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખનો વિજય: ' આપ ' ના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો માર્ગ મોકળો
પ્રમુખ પદે ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ પદે અંજનાબેન મારૂની નિમણૂંક :સમજુભાઇ સોલંકીની કારોબારી સમિતિના ચેરમેન પદે નિયુક્તિ

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભાજપની સત્તા પર પકડ વધુ મજબૂત બની છે.
આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ચૂંટણીના પરિણામ બાદ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ પદે અંજનાબેન મારૂની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ સમજુભાઇ સોલંકીની કારોબારી સમિતિના ચેરમેન પદે નિયુક્તિ કરવામા આવી છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો વિજય રસ્તો એકદમ સરળ બની ગયો હતો. આ ઘટના જૂનાગઢના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરીના કારણે ચૂંટણીમાં ભાજપ સામે કોઈ મોટો પડકાર રહ્યો ન હતો.
વિજયની જાહેરાત થતા જ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી અને “ભારત માતા કી જય” ના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
