<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ભાવનગરમાં સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં ભાજપે વિન્ટેજ કાર અને ઓપન જીપનો ઉપયોગ કરી આકર્ષણ જમાવ્યું

વડવા વિસ્તારમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાની હાજરીમાં ત્રણ ઉમેદવારોએ બાઇક રેલી અને રોડ-શો યોજી લોકસંપર્ક કર્યો :આ હાઇટેક પ્રચાર પદ્ધતિ શહેરભરમાં ચર્ચાનો વિષય બની

ભાવનગરમાં ભાજપના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો છે.  આ વખતે ભાજપ ઉમેદવારો પરંપરાગત પ્રચાર પદ્ધતિને બાજુ પર મૂકીને આકર્ષક અને નવીન પ્રયોગ હાથ ધર્યો છે. આજે જ્યારે શહેરના માર્ગો પર જ્યારે વિન્ટેજ કાર અને ઓપન જીપનો કાફલો નીકળ્યો ત્યારે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

 

ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપના પ્રચારકોએ આલીશાન વિન્ટેજ કારમાં સવાર થઈને લોકસંપર્ક કર્યો હતો. ખાસ કરીને વડવામાં  ભાજપના ત્રણ ઉમેદવારોએ મતદારોને રિઝવવા માટે રસ્તાઓ પર રેલી કાઢી હતી. આ પ્રચારમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો. પ્રચારકો ઓપન જીપમાં સવાર થઈને હાથ હલાવી મતદારોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા.

કેસરીયો માહોલ બનાવવા માટે ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો કાર્યકરોએ બાઇક પર સવાર થઈને પક્ષના ઝંડા સાથે સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો. સ્થાનિક નેતાઓનું માનવું છે કે આ પ્રકારના પ્રયોગોથી યુવા મતદારો અને સ્થાનિક નાગરિકોમાં પક્ષ પ્રત્યે આકર્ષણ વધે છે. સોશિયલ મીડિયાના યુગમાં આ પ્રકારના 'ફોટોજેનિક' પ્રચારથી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રીચ વધારવામાં મદદ મળે છે.

(11:52 PM IST)