તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ઐતિહાસિક વિજય: 22માંથી 18 બેઠકો કબજે
કોંગ્રેસે 3, આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી; આમ આદમી પાર્ટીએ પહેલીવાર ખાતું ખોલાવ્યું, રાણ બેઠક કબજે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. 28 : દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુલ 22 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે.
આ વખતે પહેલીવાર કેટલીક બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. આ ત્રિકોણીય મુકાબલો ભાજપ માટે ફાયદાકારક રહ્યો હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ 18ના આંકડે પહોંચી છે. આ પહેલા જિલ્લા પંચાયતમાં ભાજપ ક્યારેય 12ના આંકડાથી આગળ ગઈ નહોતી.
કોંગ્રેસે લાંબા, કલ્યાણપુર અને ભાટિયા એમ કુલ 3 બેઠકો જીતી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રાણ બેઠક જીતી જિલ્લા પંચાયતમાં પહેલીવાર ખાતું ખોલાવ્યું છે.
ત્રિપાંખીયા જંગ અને મતોના વિભાજનના કારણે ભાજપને મોટો ફાયદો થયો છે. 18 બેઠકો સાથે ભાજપે જિલ્લા પંચાયત પર એકતરફી કબજો જમાવ્યો છે. પરિણામ બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
