<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરમાં ભાજપનો ઐતિહાસિક વિજયઃ લઘુમતી બહુલ વોર્ડ નં. ૧માં પ્રથમવાર ક્‍લીન સ્‍વીપ, કોંગ્રેસનો ગઢ તૂટયો

કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજાની કારમી હારઃ વર્ષો જૂના કોંગ્રેસના ગઢમાં ભાજપ પેનલનો શાનદાર વિજય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬માં ભાજપે ઇતિહાસ રચ્‍યો છે. લઘુમતી બહુલ માનવામાં આવતા વોર્ડ નં. ૧માં ભાજપે પ્રથમવાર ક્‍લીન સ્‍વીપ નોંધાવી કોંગ્રેસને ભારે ઝટકો આપ્‍યો છે.

આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસનો મજબૂત દબદબો રહ્યો હતો અને ભાજપ અહીં પોતાનું ખાતું પણ ખોલાવી શકતું નહોતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં પરિસ્‍થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મતદારોમાં ભાજપ તરફ ભારે ઝોક જોવા મળ્‍યો હતો, જેના પરિણામે ભાજપની આખી પેનલ વિજેતા બની છે.

ખાસ વાત એ છે કે આ વોર્ડમાં જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા પોતે મેદાનમાં ઉતર્યા હતા. લઘુમતી વિસ્‍તાર હોવાને કારણે તેઓ આ સીટને સુરક્ષિત માનતા હતા, પરંતુ પરિણામે તેમને કારમી હારનો સામનો કરવો પડ્‍યો છે.

ભાજપની આ જીતને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે, જ્‍યારે કોંગ્રેસ માટે આ પરિણામ ભારે ઝાટકા સમાન છે. સમગ્ર શહેરમાં આ પરિણામ ચર્ચાનો વિષય બન્‍યું છે અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

(5:27 PM IST)