<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગોંડલ પાલિકામાં ભાજપનો ભવ્‍ય વિજય : કોંગ્રેસ - ‘આપ'નો સફાયો

ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ગુંડાગીરીની વાતો અને મિરઝાપુર ફેકટરને પ્રજાએ જાકારો આપ્‍યોઃ જયરાજસિહ નો જયજયકારઃ ફરી એકવાર વિપક્ષ વિહીન બની નગરપાલિકા

ગોંડલ પાલિકાની ચૂંટણીમાં વિજેતા ભાજપના ઉમેદવારો નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૮: ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની ૨૦ બેઠકો બીનહરીફ થયા બાદ ૨૪ બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ અને આપ નો સફાયો કરી ભાજપે ૨૪ બેઠક ઉપર વિજય પ્રાપ્ત કરતા નગરપાલિકા નાં કુલ ૧૧ વોર્ડ ની તમામ ૪૪ બેઠકો પર ભગવો લહેરાયો છે.વિપક્ષ ને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી નાં હોય નગરપાલિકા ફરી એકવાર વિપક્ષ વિહીન બનીછે.

આજે મત ગણતરી નાં દિવસે એમ.બી.કોલેજ ખાતે ગણતરી શરુ થતા શરુઆત થીજ ભાજપ આગળ દોડતો હોય ભગવો લહેરાયો હતો.મત ગણતરી કેન્‍દ્ર પર ઉમટી પડેલા ભાજપ નાં કાર્યકરોએ જ્‍વલંત વિજય ને ફટાકડા ફોડી વધાવ્‍યો હતો.

વોર્ડ નંબર-૧,વોર્ડ નંબર-૬,વોર્ડ નંબર-૯ અને વોર્ડ નંબર-૧૧ નાં તમામ તથા વોર્ડ નંબર-૨ માં એક,વોર્ડ નંબર-૭ માં બે અને વોર્ડ નંબર-૧૦ માં ૧ મળી કુલ ૨૦ બેઠકો પર પહેલે થીજ  ભાજપ નાં ઉમેદવારો બીનહરીફ જાહેર થયા હતા.

ત્‍યારે બાકી રહેતી ૨૪ બેઠકો માટે મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરાતા તમામ બેઠકો પર ભાજપ નાં ઉમેદવારો વિજેતા બન્‍યાં હતાં.

આમ વર્ષ ૨૦૨૧ ની ચુંટણીઓ ની માફક ભાજપે તમામ બેઠકો કબ્‍જે કરી કોંગ્રેસ અને આપ ફરી ઘરભેગા  દિધા છે.

તાલુકા પંચાયતની મતગણતરીમાં આંબરડી બેઠક પર ભાજપ વિજયી બની વિજય નાં શ્રીગણેશ કર્યા છે. બાકીની બેઠકો પર ભાજપ આગળ છે.ભાજપ નાં મોવડી પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં સહયોગી અશોકભાઈ પીપળીયા,પીન્‍ટુભાઇ ચુડાસમાનું માઇક્રો પ્‍લાનિંગ અને સંગઠનાત્‍મક વ્‍યુહરચનાને કારણે કોંગ્રેસ ને ઘોબી પછડાત આપી ભાજપ ને ભવ્‍ય વિજય અપાવવામાં સફળતા મળી છે.

ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નંબર ૩ નાં ભાજપ નાં ઉમેદવાર હંસાબેન શિયાળ, સ્‍વિટીબેન દાફડા, રુષિરાજસિંહ જાડેજા તથા ભરતભાઈ ઢોલરીયા કોંગ્રેસને પરાસ્‍ત કરી વિજેતા બન્‍યાં છે.

વોર્ડ નંબર-૮ માં ભાજપનાં નિલાબેન વીરડીયા, માનશીબેન સાટોડીયા, અનિલભાઈ ચાવડા, મનીષભાઈ ચનિયારા વિજેતા થયા છે.

‘‘આપ''ના આઠ ઉમેદવારો વિજેતા

રાજકોટ તા. ર૮: સવારે ૧૦/૩૦ વાગ્‍યા સુધીમાં જાહેર પરિણામો મુજબ આમ આદમી પાર્ટીએ જોર કર્યું છે તે મુજબ નીચે પ્રમાણે આઠ બેઠકો કબ્‍જે કરી લીધી છે.માળીયા હાટીનાં આપ એ ખાતુ ખોલ્‍યું છે. અમરેલીની નવી હડીયાલની તાલુકા પંચાયતની સીટ ઉપર આપની જીત થઇ છે. અમરેલી વિધાનસભા વિસ્‍તારની બાંભડીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીત્‍યું છે. ધારીના લુન્‍ધીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીતી ગયું છે. સલાયા પાલિકામાં વોર્ડ-૩ માં આપના ઉમેદવાર જીત્‍યા છે. ભેનકવડ, અને ચોખંડામાં તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે. જામ જોધપુરના બાલવા સીટ ઉપર આપના ઉમેદવાર વિજેતા થયા છે.

(11:39 AM IST)