તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો કેસરીયો, કોંગ્રેસનો ઘોર સફાયો : કોંગ્રેસના ૬૨માંથી ૬૦ ઉમેદવારોની હાર સાથે વિપક્ષ માત્ર ૨ બેઠક પર ફેંકાઈ ગયું
જેલમાંથી ચૂંટણી લડેલા ગુજસીટોકના બે આરોપીઓનો વિજય : આપનું બે બેઠકો સાથે ખાતું ખુલ્યું પણ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના દિગ્ગજો પરાજિત

મુકુંદ બડીયાણી દ્વારા, જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જ્યારે કોંગ્રેસને ઇતિહાસની સૌથી કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ૬૨ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસના ૬૦ ઉમેદવારો પરાજિત થયા છે અને પાર્ટી માત્ર બે બેઠકો સુધી સીમિત રહી ગઈ છે. અગાઉ દોઢ ડઝન બેઠકો ધરાવતી કોંગ્રેસ માટે આ પરિણામો મોટો રાજકીય ઝટકો સાબિત થયા છે. સુરક્ષિત ગણાતા વોર્ડ નંબર ૧ માંથી ચૂંટણી લડનારા કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને પણ મતદારોએ નકારી કાઢતા તેમની હાર થઈ છે.
ચૂંટણીના પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વોર્ડ નંબર ૧૨ માંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે બે ઉમેદવારો વિજયી બન્યા છે, તેઓ ગુજસીટોકના આરોપી છે અને જેલમાંથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસ તરફથી જેલવાસ ભોગવી રહેલા ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા વિજેતા થયા છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ અંદાજે ૫૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં આંતરિક પક્ષપલટા અને ટેકો પાછો ખેંચવાની ઘટનાઓ વચ્ચે પણ પાર્ટીએ બે બેઠકો સાથે ખાતું ખોલવામાં સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૧૨ માંથી 'આપ' ના ઉમેદવાર અસલમ ખિલજી, જેઓ જેલમાં છે અને કોંગ્રેસ છોડીને આવ્યા હતા, તેઓ વિજયી થયા છે. તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી પણ વિજેતા જાહેર થયા છે. આ પરિણામોએ જામનગરના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે અને ભાજપના વર્ચસ્વ સામે વિપક્ષોનું નેટવર્ક વેરવિખેર કરી દીધું છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
