News of Wednesday, 15th April 2026
ભાવનગરના પાલીતાણામાં ભાજપનું શક્તિ પ્રદર્શન : વિજય હુંકાર : વાળુંકડ ગામે જગદીશભાઈ વિશ્વકર્માની વિકાસ સંકલ્પ સભા યોજાઈ
ભાવનગરની તમામ બેઠકો ભાજપ જીતશે: જગદીશભાઈ વિશ્વકર્મા: જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ હોવાનો મંત્રીએ કર્યો દાવો: સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા

ગુજરાતમાં આગામી સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય હલચલ વચ્ચે ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુંકડ ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં 'વિકાસ સંકલ્પ સભા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
સભાને સંબોધતા જગદીશભાઇ વિશ્વકર્માએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાની તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થશે. જનતાના ઉત્સાહ અને મળી રહેલા જનસમર્થન ને જોતા તેમણે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો ક્યાંય રેસમાં દેખાતા નથી.
જગદીશભાઇએ વધુમાં ઉમેર્યું કે, "રાજ્યની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ડબલ એન્જિન સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. ભાજપની કાર્યપદ્ધતિ અને છેવાડાના માનવી સુધી પહોંચવાની રણનીતિને કારણે ભાવનગર જ નહીં, પણ સમગ્ર ગુજરાતમાં ભાજપના ફાળે જ બેઠકો જશે." આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનોએ પણ ભાજપને મજબૂત બનાવવાના શપથ લીધા હતા. ચૂંટણીલક્ષી આ માહોલમાં ભાજપનું આ શક્તિપ્રદર્શન વિરોધી છાવણીમાં ચિંતા જન્માવી શકે છે. સભાના અંતે જગદીશભાઇએ કાર્યકરોને 'પેજ કમિટી' અને બૂથ સ્તર સુધી કામગીરી વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું હતું
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
