<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભુજ નગરપાલિકા દ્વારા રક્તદાન જાગૃતિ માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: ૧૭,૫૦૦ સીસી બ્લડ એકઠું થયું

જીવનજ્યોત બ્લડ બેંકના સહયોગથી આયોજન, મોટી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ અને નાગરિકો જોડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ :  ભુજ નગરપાલિકા તથા જીવનજ્યોત બ્લડબેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો તેમજ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો હતો. કેમ્પમાં અંદાજે ૧૭૫૦૦ સીસી જેટલું રક્ત એકત્રિત થયું હતું. કેમ્પનો પ્રારંભ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ચીફ ઓફિસર ટ્વિન્કલબેન પટેલ, જીવનજ્યોત બ્લડબેંકના ડો. રમણીકભાઈ પટેલ તથા સામાજિક અગ્રણી ભૌમિકભાઈ વચ્છરાજાની દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલી બ્લડની અછતને નિવારવા જીવનજ્યોત બ્લડબેંકની એક અપીલને પગલે ભુજ નગરપાલિકાના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ શહેરના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલે જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે. આપણા દ્વારા કરવામાં આવેલ એક યુનિટ રક્તદાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવામાં અમૂલ્ય સાબિત થઈ શકે છે.” તેમણે નાગરિકોને પણ નિયમિત રીતે સ્વૈચ્છિક રક્તદાન કરવા તેમજ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. કેમ્પમાં ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો અને અધિકારીઓ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.

(9:33 AM IST)