<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસે જામનગરમાં રક્તદાન મહાયજ્ઞનું આયોજન : જિલ્લામાં 22 સ્થળોએ મેગા કેમ્પ યોજાયા

શ્રી ખોડલધામ અને સદ્જ્યોતા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 70 થી વધુ સ્થળોએ કેમ્પ, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા સાથે મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 11 : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે  રક્તદાનનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાં 70 થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

જામનગર શહેર અને જિલ્લામાં પણ આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જામનગર જિલ્લામાં કુલ 22 સ્થળોએ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયા હતા. આ કેમ્પ માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત ન હતા પરંતુ રાજ્ય બહારના વિસ્તારો સહિત દેશભરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને કુદરતી આપત્તિ સમયે સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ મેગા કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુ રાખવામાં આવ્યો હતો.

 

જામનગર શહેરમાં સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી વિવિધ મુખ્ય સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા. શહેરમાં મહિલાઓ પણ ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ સમિતિ જિલ્લા કાર્યાલય, શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, શ્રી નારાયણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ નારાયણ નગર-1, શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ ખોડલ ગ્રીન સરદાર પાર્ક, શ્રીજી હોલ ઓશવાળ કોલોની અને જી.આઈ.ડી.સી. ફેસ-2, 3 એસોસિએશન ઓફિસ જેવા મુખ્ય કેન્દ્રોમાં કેમ્પનું આયોજન થયું હતું. જેમાં સરદાર પાર્ક અને ઓશવાળ કોલોનીના કેમ્પ ખાસ મહિલાઓ માટે રાખવામાં આવ્યા હતા.

 

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો હતો. વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર અને પીપરટોડા સહિતના ગામોમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લઈને રક્તદાન કર્યું હતું.

 

આ મહા રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનર, મહિલા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું.

(1:06 PM IST)