<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

માંડવી ઉપાડતી વખતે નાકમાંથી લોહી વહ્યું: બેભાન થયા બાદ રમેશનું મોત

ગીર સોમનાથના ઘુસીયા ગામે બનાવઃ ૩૩ વર્ષના યુવાને રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૫: ગીર સોમનાથના તાલાલા તાબેના ઘુસીયા ગામે રહેતો ૩૩ વર્ષનો યુવાન ખેત મજૂરીએ ગયો હોઇ ત્‍યાં માંડવી ઉપાડતી વખતે એકાએક નાકમાંથી લોહી વહેવાનું ચાલુ થઇ ગયા બાદ બેભાન જેવો થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ઘુસીયા ગામે રહેતો રમેશભાઇ જીણાભાઇ સોલંકી-દેવીપૂજક (ઉ.વ.૩૩) પરમ દિવસે ગામમાં બીજાની વાડીએ મજૂરીએ ગયો હોઇ ત્‍યાં માંડવી ઉપાડતો હતો ત્‍યારે એકાએક તેના નાકમાંથી લોહી વહેવા માંડયું હતું. આ પછી તે બેભાન જેવો થઇ જતાં તુરત સારવાર માટે તાલાલા, વેરાવળ, જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલાલ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(11:25 AM IST)