News of Monday, 11th May 2026
ચોટીલાના અકાળા ગામે આડા સંબંધમાં લોહીની હોળી ખેલાઈ: પત્નીના પ્રેમીએ રસ્તો આંતરી પતિની કરી કરપીણ હત્યા
બાઈક પર જઈ રહેલા યુવકને આંખોમાં લાઈટ આંજી દઈ ઘાતકી હુમલો; પ્રેમ સંબંધમાં અવરોધ બનતા પતિને પતાવી દેવા રચાયું પૂર્વ આયોજિત કાવતરું

ચોટીલા | તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં આવેલા અકાળા ગામે ગત રાત્રિએ બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. પત્ની સાથેના પ્રેમ સંબંધમાં અવરોધરૂપ બનતા પતિની પત્નીના પ્રેમી અને તેના સાગરીતે નિર્મમ હત્યા કરી નાખી છે. આ જઘન્ય અપરાધને પગલે ગામમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત મુજબ, અકાળા ગામના ૩૫ વર્ષીય અરવિંદભાઈ પરાલીયા સોમવારે રાત્રિના સમયે તેમના મિત્ર દેવકરણભાઈના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઘાત લગાવીને બેઠેલા એભલ અને વિપુલ નામના શખ્સોએ વાહનની લાઈટ વડે તેમની આંખો અંજી દીધી હતી. હુમલાખોરોએ અચાનક અરવિંદભાઈ પર ધોકા અને પાઈપ વડે માથાના ભાગે જીવલેણ પ્રહારો કર્યા હતા, જેના કારણે તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. આટલેથી ન અટકતા આરોપીઓએ છરીના આડેધડ ઘા ઝીંકી અરવિંદભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
પત્નીના પ્રેમ સંબંધમાં 'કાંટો' બનતા પતિને હટાવી દીધો
પોલીસની પ્રાથમિક તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે. જાણવા મળ્યું છે કે મૃતક અરવિંદભાઈની પત્ની સાથે આરોપી એભલને પ્રેમ સંબંધ હતો. આ આડા સંબંધની જાણ થતા અગાઉ પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ અરવિંદભાઈની રેકી કરી હતી અને તેઓ જ્યારે એકલા હોય ત્યારે તેમને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. અંતે આ પ્રેમ પ્રકરણ લોહિયાળ અંજામ સુધી પહોંચ્યું છે.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આરોપીઓની શોધખોળ તેજ
હત્યાની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી અકાળા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાલમાં પોલીસે ફરાર આરોપીઓ એભલ અને વિપુલને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાત્રાધામ ચોટીલા પંથકમાં બનેલી આ ઘટના અત્યારે સ્થાનિક સ્તરે 'ટોક ઓફ ધ ટાઉન' બની છે અને લોકો પત્નીના પ્રેમીની આ ક્રૂરતા પર ફીટકાર વર્ષાવી રહ્યા છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
