હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કંડલામાં માછીમારીની ૯ બોટોના બોગસ GST બિલ કૌભાંડનો પર્દાફાશ : ૧૧ આરોપીઓ ઝબ્બે
ભાવનગરના તરૂણકુમાર સવાઈલાલ રાજપુરા બોગસ બિલિંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધારઃ જૂની ભંગાર બોટોને કાગળ પર નવી દર્શાવી રજિસ્ટ્રેશન મેળવવાનું ષડયંત્ર, સસ્તા ડીઝલની સબસિડી અને બેંક લોન મેળવવાનો પણ હતો ઇરાદો

(વિનોદ ગાલા દ્વારા ભુજ) તા.૩૧: કચ્છના કંડલાના દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે ઉપયોગમાં લેવાતી ૯ બોટોના રજિસ્ટ્રેશન મેળવવા માટે બનાવટી જીએસટી બિલ રજૂ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાના કૌભાંડનો પૂર્વ કચ્છ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ચકચારી પ્રકરણમાં બોટ માલિકો સહિત બોગસ બિલ બનાવી આપનાર મુખ્ય સૂત્રધાર ભાવનગરના તરૂણકુમાર સવાઈલાલ રાજપુરા સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરાયા બાદ તપાસના આગળના તબક્કામાં વધુ એક આરોપી મહેમુદશા કરીમશા સૈયદને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આમ, આ કેસમાં ધરપકડનો કુલ આંકડો ૧૧ પર પહોંચ્યો છે.
વિગતો મુજબ, કંડલા અને આસપાસના ખાડી વિસ્તારમાં માછીમારી કરવા માટે બોટનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવવા તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી પરમિટ મેળવવા માટે બોટની ખરીદીના ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ વાસ્તવમાં કોઈ બોટની ખરીદી કે વેચાણ કર્યું ન હોવા છતાં બોટોના ખરીદ-વેચાણના બોગસ જીએસટી બિલ તૈયાર કરાવી સરકારી કચેરીમાં રજૂ કર્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં જીએસટીની કોઈ વાસ્તવિક ચુકવણી પણ કરવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કૌભાંડ પાછળનો મુખ્ય હેતુ જૂની અને ભંગાર થઈ ગયેલી બોટોને કાગળ પર નવી દર્શાવીને ફરીથી માછીમારીના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. વ્યાપારી પેઢીઓના નામના નકલી બોગસ બિલ બનાવી તેના આધારે બોટનું કાયદેસર રજિસ્ટ્રેશન મેળવી બેંકમાંથી લોન મેળવવા તેમજ સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી રાહત દરની ડીઝલ સબસિડીનો ગેરકાયદેસર લાભ ખાટવાનો પણ આરોપીઓનો ઇરાદો હતો. આ રીતે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વ્યવસ્થિત રીતે દસ્તાવેજી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે.
તપાસ દરમિયાન બોટોની ખરીદ-વેચાણ દર્શાવતાં બોગસ નકલી બિલો ભાવનગરની ‘વરણી કોર્પોરેશન' અને ગાંધીધામની ‘માહેશ્વરી મશીન ટૂલ્સ એજન્સી'ના નામે બનાવવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં આ બંને પેઢીઓનાં જીએસટી રજિસ્ટ્રેશન ઘણાં સમય પહેલાં જ રદ થઈ ચૂકયાં હોવા છતાં તેમના નામે બોગસ બિલો તૈયાર કરી તેનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બોગસ બિલિંગ નેટવર્કમાં ભાવનગરના તરુણકુમાર સવાઈલાલ રાજપુરાની મુખ્ય ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે શરૂઆતમાં ધરપકડ કરેલા ૧૦ આરોપીઓમાં ભાવનગરના વાઘાવાડી રોડ વિસ્તારમાં રહેતા અને બોગસ બિલ બનાવી આપવાના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાયેલા તરુણકુમાર સવાઈલાલ રાજપુરા ઉપરાંત હારૂન હુસેનભાઈ જામ, યુસુફ અલીભાઈ ગંઢ/ગાધ, અબ્દુલ હુશેનભાઈ ચબા, અબ્દુલ ઉસ્માનભાઈ માજલીયા, મામદ ઓસમાણ અલી બલોટ, અનવર જુસબ ગંઢ, કાસમ ઈબ્રાહીમ ભટ્ટી, સુલતાન કાસમ ભટ્ટી અને સદીક ઉમરભાઈ ભટ્ટીનો સમાવેશ થાય છે. આ પૈકીના મોટાભાગના બોટ માલિકો અંજાર તાલુકાનાં તુણા અને સંધડ ગામના રહેવાસી છે. ત્યારબાદ આ કેસમાં મુન્દ્રાના ધ્રબ ગામના મહેમુદશા કરીમશા સૈયદની પણ ધરપકડ કરવામાં આવતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.
પૂર્વ કચ્છ એસઓજી પોલીસની ટીમે સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરી કંડલા મરીન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનાહિત કાવતરૂ રચવા, છેતરપિંડી કરવા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપીઓની ભૂમિકા, બોગસ બિલિંગનું નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
