<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ભચાઉના ચોપડવા પાસે આવેલી કિયારા પ્લાયવુડ કંપનીમાં બોઈલર લીક થતા ભીષણ આગ:લાખો રૂપિયાનું નુકસાન

લાકડા અને પ્લાયવુડના જથ્થાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું: આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી

ભચાઉના ચોપડવા પાસે આવેલી કિયારા પ્લાયવુડ કંપનીમાં બોઈલર લીક થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઉનાળાના પ્રારંભે વધતા જતા તાપમાન વચ્ચે કચ્છના ઔદ્યોગિક એકમોમાં અગ્નિકાંડની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેમાં ગત મોડી સાંજે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં દોડધામ મચાવી દીધી હતી. લાકડા અને પ્લાયવુડના જથ્થાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

 

ઘટનાની વિગતો મુજબ, ભચાઉ તાલુકાના ચોપડવા ગામની સીમમાં કાર્યરત કિયારા કંપનીમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બોઈલરમાં લિકેજ થતા જ્વાળાઓ ઉઠી હતી. પ્લાયવુડ ઉત્પાદન એકમ હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં લાકડાનો વેસ્ટ અને જ્વલનશીલ કેમિકલ્સ હાજર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈ તાત્કાલિક ભચાઉ નગરપાલિકા સહિતના ફાયર સ્ટેશનોને જાણ કરવામાં આવી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સ્થાનિક તંત્ર ઉપરાંત કંડલા ટીમ્બર એસોસિએશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝની ફાયર ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

 

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 3 ફાયર ટેન્ડરો દ્વારા સતત 3 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ફાયર ફાઈટર પ્રવીણ દાફડાએ માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતના 2 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ જ્વાળાઓ શાંત ન થતા અંતે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક કલાક સુધી સતત ફોમ બ્લાસ્ટિંગ કર્યા બાદ આગ પર પૂર્ણતઃ કાબુ મેળવી શકાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંપનીમાં રહેલો પ્લાયવુડનો સ્ટોક, કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

કચ્છમાં હાલ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે ઔદ્યોગિક ઝોનમાં સેફ્ટી ઓડિટ અને બોઈલર મેન્ટેનન્સ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નિષ્ણાંતોના મતે, ગરમીના દિવસોમાં હવાનું દબાણ અને ઘર્ષણ વધવાને કારણે બોઈલર જેવી મશીનરીમાં લિકેજ થવાની શક્યતાઓ વધી જાય છે. આ અગાઉ પણ ભચાઉ અને ગાંધીધામ પંથકની ફેક્ટરીઓમાં આગના બનાવો બન્યા છે, જે ઉદ્યોગોમાં અગ્નિશમન સુવિધાઓની સજ્જતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડોના ઉલ્લંઘન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

(3:55 PM IST)