<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ધાર્મિક સ્‍થળોની યાત્રાએ નીકળેલા ચુડા-બગસરાના પરિવારની બોલેરો મોરબી પાસે ઉંધી વળીઃ ૪ને ઇજા

ડાભી-સોલંકી પરિવારના લોકો માતાના મઢ, નારાયણ સરોવર ફરીને પરત આવતાં હતાં: મહિલા સહિત બે લોકોને સારવાર માટે રાજકોટ ખસેડાયા

 

રાજકોટ તા. ૩૦: મોરબી નજીક ખુલ્લી બોલેરો પલ્‍ટી મારી જતાં તેમાં બેઠેલા ચુડા, બગસરાના ડાભી અને સોલંકી પરિવારના ત્રણથી ચાર લોકોને ઇજાઓ થઇ હતી. આ પરિવારના લોકો કચ્‍છ ભુજ તરફ આશાપુરા માતાના મઢે, અંજાર, નારણ સરોવર સહિતના ધાર્મિક સ્‍થળોએ દર્શન કરીને ફરીને પરત ફરતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભેંસાણના ચુડા ગામે રહેતાં દયાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૫) અને તેના જમાઇ બગસરા રહેતાં કમલેશભાઇ ભરતભાઇ ડાભી (ઉ.વ.૨૪, જમાઇના ભાઇ રોહિત ભરતભાઇ ડાભી (ઉ.વ.૨૧) તેમજ બીજા પરિવારના પાંચ-છ સભ્‍યો ખુલ્લી બોલેરોમાં બેસી કચ્‍છ-ભુજ પંથકમાં ધાર્મિક સ્‍થળોના દર્શન કરવા નીકળ્‍યા હતાં. દર્શન કરી, ફરીને પરત પોતાના ગામ જતાં હતાં ત્‍યારે રાતે મોરબીથી પાંચ કિ.મી. દુર માળીયા મિયાણાના રસ્‍તે પહોંચ્‍યા ત્‍યારે ચાલક કમલેશે કોઇપણ કારણોસર સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં    બોલેરો પલ્‍ટી મારી ગઇ હતી. જેમાં દયાબેન, રોહિત સહિત ત્રણથી ચારને નાની મોટી ઇજાઓ થઇ હતી.

જેમાંથી દયાબેન અને રોહિતને વધુ ઇજાઓ પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી.

(10:58 AM IST)