<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ટંકારાના સજનપરમાં હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર બોર્ડર રેન્જ ભુજ પોલીસનો દરોડો, ₹44.76 લાખના મુદ્દામાલ સાથે 9 ઝડપાયા

આલીશાન બંગલામાં ચાલતા તીન-પત્તીના જુગારનો પર્દાફાશ; દેવશંકર શિતાણી સહિત 9 સામે ગુનો નોંધાયો, સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

ટંકારા: તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલા ઓમ વિલ્લા રેસીડેન્સીના બંગલા નં. A-3માં ચાલતા હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર બોર્ડર રેન્જ ભુજ ક્રાઈમ-2ની ટીમે ગુપ્ત બાતમીના આધારે સફળ દરોડો પાડી 9 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, બે કાર, 9 મોબાઇલ ફોન સહિત કુલ ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

સત્તાવાર માહિતી મુજબ, ASI રસિકભાઈ મનસુખભાઈ પટેલની ટીમને મળેલી બાતમીના આધારે જુગાર ધારા અધિનિયમ હેઠળ સર્ચ વોરંટ મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન દેવશંકર હિંમતલાલ શિતાણી દ્વારા બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉધરાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

 

પોલીસે હાર્દિક માકાસણા, જયેશ પડસુંબીયા, ઉત્તમ ધુમલીયા, નરોતમ ફેફર, અરવિંદ ભીમાણી, રાજેશ ભીમાણી, ચેતન ચિકાણી, જીગ્નેશ કાચરોલા અને મુખ્ય સૂત્રધાર દેવશંકર શિતાણીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ ₹24.30 લાખની રોકડ, બે કાર, 9 મોબાઇલ ફોન, ગંજીપાના પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

આ મામલે ગુજરાત જુગાર અટકાયત અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંગલાના માલિકની સંડોવણી સહિત સમગ્ર રેકેટની તપાસ PSI ભાવેશભાઈ દિનેશભાઈ ભટ્ટ ચલાવી રહ્યા છે.

 

દરોડા બાદ સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે. આટલા મોટા પાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ બહારની એજન્સીએ કર્યો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે સ્થાનિક પોલીસની બેદરકારી અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

(3:25 PM IST)