તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જામનગરમાં GSTના વિરોધમાં બ્રાસ ઉદ્યોગ બંધ : ઉદ્યોગકારોની મૌન રેલી : કલેક્ટરને આવેદન
બ્રાસ સીટી ગણાતા જામનગરમાં એક દિવસના પ્રતીકાત્મક બંધથી GIDCના સેંકડો કારખાનાઓ બંધ, ફેકટરી ઓનર્સ એસોસિએશનમાં એકત્ર થઈ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો રોષ

જામનગરઃ બ્રાસ ઉદ્યોગકારોએ જીએસટીની કનડગતના વિરોધમાં રેલી યોજીને કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ (તસ્વીરઃ કિંજલ કારસરીયા : જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: વિશ્વભરમાં બ્રાસ સીટી તરીકે પ્રખ્યાત જામનગરના બ્રાસ ઉદ્યોગે આજે GSTના મુદ્દાને લઈને સંપૂર્ણ બંધ પાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગરના બ્રાસ ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, GSTના દરમાં વધારો અને રિફંડની પ્રક્રિયામાં વિલંબને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. કાચા માલ પર ૧૮% GST અને તૈયાર માલ પર અલગ દર હોવાથી ઉદ્યોગની પડતર કિંમત વધી ગઈ છે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ઉદ્યોગકારોએ બંધનું એલાન આપ્યું હતું.
આજે સવારે ૧૦ વાગ્યે શહેરના તમામ ઉદ્યોગકારો ફેકટરી ઓનર્સ એસોસિએશન, શંકર ટેકરી ખાતે એકત્ર થયા હતા. ત્યાંથી ૫૦૦થી વધુ ઉદ્યોગકારો અને કારીગરોએ મૌન રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી. કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં GST કાઉન્સિલ સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને તાત્કાલિક ધોરણે રાહત આપવાની માંગ કરવામાં આવી છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે જો સરકાર દ્વારા ૭ દિવસમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં અનિશ્ચિતકાળ માટે ઉદ્યોગ બંધની ચીમકી ઉચ્ચારી છે. આ બંધને કારણે આજે એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ઉત્પાદન અટકી પડ્યું હોવાનો અંદાજ છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
