<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલમાં હવે સ્તન કેન્સરનું નિદાન શક્ય બન્યું: ડિઝીટલ મેમોગ્રાફી મશીનની સુવિધા શરૂ

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કચ્છમાં આ પ્રકારનું પ્રથમ આધુનિક મશીન : "વહેલું નિદાન સ્તન કેન્સરની લડાઈ સામેનું શસ્ત્ર"

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્તન કેન્સરના ઝડપી અને સચોટ નિદાન માટે અતિ આધુનિક ડિજિટલ મેમોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે,જેથી સારવાર વધુ પરિણામલક્ષી બનશે.

    કચ્છમાં આ પ્રકારનું ડિજિટલ મશીન  પ્રથમ છે.આ મશીન અત્રે ઉપલબ્ધ બનતા ખાસ કરીને સ્તનમાં ગાંઠ,સ્તનના આકારમાં ફેરફાર,નિપલમાંથી ઝરતું અસામાન્ય પ્રવાહી, નીપલમાં ફેરફાર અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તબીબની સલાહ મુજબ આ પરીક્ષણ કરાવી શકાય છે,એમ રેડિયોલોજી વિભાગના પ્રોફે.ડો.ભાવેન શાહે જણાવ્યું હતું.

    મેમોગ્રાફી એ એક્સ - રે આધારિત મશીન છે.જેમાં સ્તનની અંદરની પેશીઓની સચોટ તસવીર લઈ શકાય છે.સાથે ડિજિટલ હોવાથી રિપોર્ટ  સાચવી પણ શકાય છે. મહિલાઓએ ૪૫ વર્ષની  ઉંમરે નિયમિત અને અથવા તો જરૂર જણાય ત્યારે મેમોગ્રાફી કરાવવી એ બહેનોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.ઉપરાંત આ મશીન ઉપલબ્ધ બનતા દર્દીઓને બહાર નહીં જવું પડે.

તબીબોના જણાવ્યા મુજબ મહિલાઓએ  સ્તનના આરોગ્ય માટે જાગૃત રહેવું જરૂરી છે.સ્તનમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો  તેને અવગણવાને બદલે નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઈએ.નિયમિત તપાસ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

(9:32 AM IST)