તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
જામનગરના રણજીતસાગર રોડ પર ભરબપોરે બ્રિલિયન્ટ સ્કૂલનું કાયાવાર એલઈડી જાહેરાત ટાવર ધરાશાયી : વાહનચાલકોનો આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી
તેજ પવનના કારણે લોખંડી ટાવર અચાનક મુખ્ય રસ્તા પર ખાબકતા અફરાતફરી : ફાયર બ્રિગેડે કાટમાળ હટાવી માર્ગ ખુલ્લો કર્યો, જ્યારે જોખમી હોર્ડિંગ્સની મંજૂરી આપનારાઓ સામે તપાસની ઉઠી માંગ

(મુકુંદ બદીયાણી દ્વારા )જામનગર: જામનગર શહેરના વ્યસ્ત ગણાતા રણજીતસાગર રોડ પર આજે ભરબપોરે એક બહુમોટી અને ભયાનક દુર્ઘટના સર્જાતા-સર્જાતા રહી ગઈ છે. રણજીતસાગર રોડ પર આવેલી બ્રિલિયન્ટ સ્કૂલની ડિજિટલ જાહેરાત માટે રસ્તાની બિલકુલ નજીક ઊભું કરવામાં આવેલું એક વિશાળ અને વજનદાર એલઈડી (LED) ટાવર અચાનક જ પત્તાના મહેલની જેમ મુખ્ય માર્ગ પર તૂટી પડ્યું હતું. આ ઘટના ધોમધખતા તાપમાં બપોરના સમયે બની હોવાથી રસ્તા પરથી પસાર થતા અનેક વાહનચાલકો તેની ચપેટમાં આવતા માંડ-માંડ બચ્યા હતા. સદભાગ્યે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતને પગલે સ્થાનિકો અને રાહદારીઓમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, જામનગરમાં છેલ્લા થોડા સમયથી પવનની ગતિ વધુ રહેતી હોવાથી આજે બપોરે અચાનક ફૂંકાયેલા તેજ પવનના ઝાપટાને કારણે બ્રિલિયન્ટ સ્કૂલનું આ એલઈડી જાહેરાત બોર્ડ સાથેનું આખું ટાવર નમી પડ્યું હતું અને જોતજોતામાં કડાકાભેર ભરચક રસ્તાની વચ્ચે ધસી પડ્યું હતું. જે સમયે આ ટાવર નીચે પડ્યું તે જ ક્ષણે ત્યાંથી કેટલાક બાઇક અને કાર ચાલકો પસાર થઈ રહ્યા હતા, જેમણે પોતાના વાહનો પૂરઝડપે બ્રેક મારીને થંભાવી દીધા હતા. વાહનચાલકોની ત્વરિત સૂઝબૂઝના કારણે તેઓ આ લોખંડી ટાવરના કાટમાળ નીચે દબાતા બચી ગયા હતા અને એક ક્ષણ માટે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને જોતા સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા તેમજ વિસ્તારના અન્ય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો તાત્કાલિક ધોરણે રણજીતસાગર રોડ પર દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને તાત્કાલિક ધોરણે જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે કટોકટીનો સંદેશો પાઠવ્યો હતો, જેથી રસ્તા પર જામ થયેલો ટ્રાફિક હળવો કરી શકાય.
ચોકાવનારા અકસ્માતની માહિતી મળતા જ જામનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ લશ્કર અને આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને રસ્તા પર આડો પડેલો એલઈડી ટાવરનો ભારેભરખમ કાટમાળ, લોખંડના એંગલો અને વાયરોને કટરની મદદથી કાપીને બાજુ પર ખસેડ્યા હતા. આ આખી કામગીરી બાદ રણજીતસાગર રોડ પરનો વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત અને સુરક્ષિત રીતે કાર્યરત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, આ ઘટના સોશિયલ મીડિયા અને શહેરમાં વાયુવેગે પ્રસરતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર ચર્ચા જાગી છે કે ધોરીમાર્ગો અને આટલા વ્યસ્ત રસ્તાઓ ઉપર આટલા મોટા અને જોખમી હોર્ડિંગ્સ તેમજ જાહેરાતના ટાવરો ઊભા કરવાની પરમિશન (મંજૂરી) કોર્પોરેશનના ક્યા અધિકારીઓએ અને ક્યા નિયમો હેઠળ આપી હતી? આ બાબતે ઉચ્ચ સ્તરેથી તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે, કારણ કે જો આ ટાવર કોઈ વાહન કે રાહદારી પર પડ્યું હોત તો મોટી જાનહાનિ નિશ્ચિત હતી. આગામી ચોમાસા પૂર્વે શહેરના આવા તમામ ગેરકાયદે કે જોખમી ટાવરો ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
