<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

વાંકાનેરના વસુંધરામાં દૂધના ધંધાર્થી યુવાનની ક્રુર હત્‍યા

૩૮ વર્ષિય વિરમભાઇ સરૈયા રાતે પોતાના મોટા ભાઇ સંચાલીત દૂધ મંડળી ખાતે હતાં ત્‍યારે જાલસીકા ગામેથી કારમાં આવેલા નિર્મલ ડાંગર સહિતના પાંચ છરીથી તૂટી પડયાઃ કુટુંબી ભાઇ પ્રવિણને અગાઉ જાલસીકાના શખ્‍સ સાથે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી હત્‍યા કરાયાનો આક્ષેપઃ મૃતદેહનું રાજકોટમાં પોસ્‍ટમોર્ટમઃ આરોપીઓને ઝડપી લેવા પોલીસની દોડધામ

રાજકોટ તા. ૧૦: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જુના મનદુઃખનો ખાર રાખી દૂધના ધંધાર્થી યુવાન પર પાંચ જેટલા શખ્‍સો છરી સહિતના તિક્ષ્ણ હથીયારોથી હુમલો કરી ક્રુરતાથી હત્‍યા કરી નાંખતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. મોટા ભાઇની દૂધની મંડળી ખાતે ૩૮ વર્ષનો યુવાન હતો ત્‍યારે નજીકના જાલસીકા ગામેથી કાર લઇને આવેલા પાંચ શખ્‍સો તૂટી પડયા હોવાનું હત્‍યાનો ભોગ બનનારના સ્‍વજનોએ જણાવતાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ વાંકોનરના વસુંધરા ગામમાં રહેતો વિરમભાઇ સામતભાઇ સરૈયા (ઉ.વ.૩૮) નામનો યુવાન રાતે નવેક વાગ્‍યે ગામમાં પોતાના મોટા ભાઇ લાલાભાઇ સરૈયા દૂધ મંડળીનું સંચાલન કરતાં હોઇ પોતે ત્‍યાં હતો ત્‍યારે કાર લઇને પાંચ શખ્‍સો આવ્‍યા હતાં અને છરી સહિતના હથીયારોથી તૂટી પડયા હતાં. જેમાં વિરમભાઇને છાતી, પડખા અને વાંસાના ભાગે ઘા લાગી જતાં લોહીલુહાણ થઇ ઢળી પડયા હતાં.

હુમલો થતાં દેકારો મચી જતાં લોકો એકઠા થઇ ગયા હતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બનાવની જાણ થતાં વિરમભાઇના સગાકુટુંબીઓ અને બીજા ગામલોકો દોડી આવ્‍યા હતાં. લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતુ.  આ હત્‍યાની ઘટનાને પગલે સમગ્ર વસુંધરા ગામ તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે.

હત્‍યાનો ભોગ બનનાર વીરમભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં. સંતાનમાં તેમને ૧૩ અને ૧૧ વર્ષના બે દિકરા છે. પોતે મોટા ભાઇ લાલાભાઇની ડેરીએ બેસી દૂધનો ધંધો કરતાં હતાં. આ હત્‍યા પાછળ અગાઉ થયેલી જૂની અદાવત જવાબદાર હત્‍યાનો ભોગ બનનારના સગાએ જણાવ્‍યું હતું. વિરમભાઈના કુટુંબી ભાઇ પ્રવીણભાઇ સાથે આરોપીઓને કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જે બાબતનો મનમાં ખાર રાખીને આરોપીઓ ગત રાતે નવેક વાગ્‍યે કાર લઇને જાલસીકાથી વસુંધરા આવ્‍યા હતાં.

અહિ વિરમભાઇ ડેરી ખાતે હતાં ત્‍યારે હુમલો કરી દીધો હતો. સગાના જણાવ્‍યા મુજબ હુમલો કરનારા શખ્‍સોમાં જાલસીકા ગામના નિર્મલ ડાંગર, પરેશ, મુકેશ, માંડણ, પ્રભાત સહિતના સામેલ હતાં. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો છે. અહિ મોટી સંખ્‍યામાં ભરવાડ સમાજના આગેવાનો, મૃતકના સગા સ્‍વજનો દોડી આવ્‍યા હતાં. યુવાન દિકરાની હત્‍યાથી વસુંધરાના ભરવાડ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. (૧૪.૫)

વાંકાનેર પ્રતિનિધિના અહેવાલ મુજબ બંને પક્ષના ચારને ઇજાઃ વસુંધરામાં પોલીસ બંદોબસ્‍ત

ઞ્જવાંકાનેરથી પ્રતિનિધી લિતેશ ચંદારાણાના અહેવાલ મુજબ હત્‍યાની આ ઘટનાના પગલે વાતાવરણ તંગ થઇ જતાં વસુંધરા ગામમાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હતો. સામે જુથના બે લોકોને પણ ઇજા થઇ છે. જે સારવાર હેઠળ છે. પોલીસ હાલ આ અંગેની વિગતો એકઠી કરી રહી છે. બંને પક્ષના મળી ચારથી પાંચને ઇજા થયાનું પણ જાણવા મળ્‍યું છે.

(11:03 AM IST)