<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વતન પોરબંદર જીલ્લાના મોઢવાડા ગામે સહપરિવાર કર્યું મતદાન : લોકશાહીના મહાપર્વમાં નોંધાવી સક્રિય ભાગીદારી

મતદાનને ગણાવી નૈતિક જવાબદારી, કહ્યું- લોકશાહીનું સાચું બળ મતદારોમાં છે; સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ગામ-શહેરોના વિકાસનો પાયો, યોગ્ય પ્રતિનિધિ માટે સૌ મતદાન કરે*

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૬ :  ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પોતાના વતન પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

 

મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, લોકશાહીનું સાચું બળ મતદારોમાં નિશ્ચિત થાય છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ તેમની નૈતિક જવાબદારી છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણા ગામ અને શહેરોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી જેવી પાયાની સુવિધાઓ ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ મળે છે. તેથી યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી માટે સૌએ મતદાનમાં અચૂક ભાગ લેવો જોઈએ.

 

મંત્રીશ્રીએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, એક-એક મતનું મૂલ્ય છે. વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા સૌ સહભાગી બને. તેમના વતનમાં મતદાનથી મોઢવાડા ગામના મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

(12:10 PM IST)