<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભ્રષ્ટાચારની કેનાલ: કચ્છમાં રાપરની નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડતા જ પડ્યું ભંગાણ, લાખો લિટર પાણી વેડફાયું

ગાગોદરથી વાંઢીયા વચ્ચેની પેટા કેનાલમાં મોટું ગાબડું પડતાં કુભારીયા, પેથાપર, રાયથરી સહિતના ગામોના ખેડૂતોને નુકસાન : મરામતના અભાવે ખેતરોમાં પાણી ઘૂસતા પાક નિષ્ફળ, તંત્ર સામે ખેડૂતોમાં રોષ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪

 કચ્છ જિલ્લામાં નર્મદાની સિંચાઈ વ્યવસ્થાની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે. રાપર તાલુકાની નર્મદા યોજનાની ગાગોદરથી વાંઢીયા વચ્ચેની પેટા બ્રાંચ કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ તૂટી પડતાં ભારે હોબાળો મચ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલ હોય કે પેટા બ્રાંચ કેનાલ, બંનેની કામગીરીમાં લોલમલોલ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે.

 

મળતી માહિતી મુજબ, ગાગોદર-વાંઢીયા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. પાણીનું દબાણ વધતાં જ કેનાલમાં મોટું ગાબડું પડી ગયું અને કેનાલ ધરાશાયી થઈ ગઈ. પરિણામે લાખો લિટર પાણી વેડફાઈ ગયું અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. 

 

કેનાલ તૂટી પડતાં કુભારીયા, પેથાપર, રાયથરી સહિત અનેક ગામોના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મરમતના અભાવે વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવાથી ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ઘઉં, જીરું અને એરંડાના પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે અને કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલીભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. દર વર્ષે મરામતના નામે લાખો રૂપિયાના બિલો પાસ થાય છે, પરંતુ સ્થળ પર કામ થતું નથી. આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને કેનાલમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે તંત્ર તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(7:27 PM IST)