<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમા ઉમેદવારના ખર્ચની મર્યાદા 9 લાખ : ત્રણ વખત હિસાબ રજૂ કરવો ફરજિયાત

પ્રચાર દરમિયાન બે વખત અને ચૂંટણી પૂર્ણ થયા બાદ એક વખત રિટર્નિંગ ઓફિસર સમક્ષ ખર્ચની વિગતો સબમિટ કરવી પડશે : મર્યાદા વટાવશે તો કાયદેસરની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.16 : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિ એક ઉમેદવાર વધુમાં વધુ રૂપિયા 9 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકશે.

 

ચૂંટણી પ્રચાર દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ઉમેદવારોને પોતાના ખર્ચનો હિસાબ નિયમિત રીતે રજૂ કરવાનો રહેશે. ચૂંટણી તંત્રના નિયમો અનુસાર ઉમેદવારોએ પ્રચાર દરમ્યાન બે વખત પોતાના ખર્ચની વિગતો સબમિટ કરવી પડશે, તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ હિસાબ રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરવો ફરજિયાત રહેશે. આ રીતે કુલ ત્રણ વખત ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

 

ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર ખર્ચની મર્યાદા વટાવે છે, અથવા ખર્ચના હિસાબમાં ગેરરીતિ જોવા મળે છે, તો સંબંધિત ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખર્ચની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવશે.

 

ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે આ ખર્ચ મર્યાદા અને હિસાબી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

(1:20 PM IST)